ભરુચ જિલ્લાને નર્મદા જિલ્લાના વડામથક રાજપિપલા સાથે જોડતો ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બધા માર્ગોમાં મહત્વનો મનાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી વિલંબમાં પડી હતી. ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર રાજપિપલા માર્ગના નવિનીકરણ માટે રુ.૧૦૦ કરોડની ફાળવણી થઇ હોવાની જાહેરાત થતાં ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતામાં ખુશી ફેલાવા પામી છે. જાણવા મળ્યા મુજબ આ કામ માટે રી ટેન્ડરીંગ કરાયુ છે. માર્ગનુ નવિનીકરણ થતાં વાહન ચાલકોને મોટી રાહત થશે. ઉલ્લેખનીય છે કે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યામાં ભવિષ્યમાં નોંધપાત્ર વધારો થશે, ત્યારે આ વિશ્વ વિખ્યાત જગ્યાને જોડતો આ માર્ગ છ માર્ગીય બનાવાય તે જરુરી છે. વળી આ માર્ગ રાજપિપલાની આગળ છોટાઉદેપુર જિલ્લા સાથે જોડાય છે. ચોવીસ કલાક વાહનોની રફતારથી જીવંત રહેતા આ માર્ગને છ માર્ગીય બનાવાય તો વાહન ચાલકોને મોટી રાહત થાય તેમજ છાસવારે થતાં અકસ્માતો પણ વધતા અટકાવી શકાય તેમ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ મહત્વના માર્ગને સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા અને મોભાને અનુરૂપ છ માર્ગીય બનાવવા ઘટતા આયોજન કરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ