Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : ટેકાના ભાવ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર ટ્રેકટર રેલી પ્રદર્શન.

Share

ભરૂચ જિલ્લાના મગ પકવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ટેકાના ભાવે સરકાર પોતાના મગ ખરીદશે તેવી આશાએ બેઠેલા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેતીની બીજી સીઝન આવી છતાં મગની ખરીદી શરૂ નહીં કરાતાં વાગરા તેમજ આમોદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયાં છે. મામલતદાર અધિકારીને આવેદન પત્ર પાઠવ્યા છતાં કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતોને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજની આગેવાનીમાં બંને તાલુકાના ખેડૂતો દ્વારા હનુમાન ચોકડીથી ડેપો થઈ મામલતદાર કચેરી સુધીની ટ્રેકટર રેલી કાઢી આક્રોશ સાથે મામલતદાર અધિકારીને વધુ એક વખત રજૂઆત કરવામાં આવી હતી. જો કે મામલતદાર અધિકારી પણ ખેડૂતોની માંગ સંતોષવા અસહાય નજરે પડ્યા હતાં.

ભારતીય કિસાન સંઘના પ્રમુખની આગેવાની અપાયેલ ચક્કાજામ વિરોધમાં વાગરા, આમોદ તેમજ ભરૂચ તાલુકાના ખેડૂતો વિશેષ જોડાયા હતાં. હનુમાન ચોકડીથી ટ્રેકટરો સાથે રેલી નીકળી હતી. જય જવાન, જય કિસાન, હમારી માંગે પૂરી કરો અને જો ખેડૂત હિત કી બાત કરેગા, વહી દેશ પે રાજ કરેગા ના સૂત્રોચ્ચારો બોલાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. જોકે એક સમયે વાગરા પોલીસે રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મૌખિક રજૂઆતના આધારે જાહેરનામાનાં અનુપાલન સાથે ટ્રેકટર રેલીને આગળ ધપાવવામાં આવી હતી. ત્યાર બાદ ડેપો સર્કલ, પંચાયત અને પોલીસ સ્ટેશનના માર્ગે આરોગ્ય ચોકડીથી ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતાં. ટ્રેકટર રેલી દરમિયાન સતત વાગરા પોલીસનું પેટ્રોલિંગ જોવા મળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા પ્રયાસ વાગરા પોલીસના જોવા મળ્યા હતા.

ડીઝલના આકાશ આંબતા ભાવ છતાં પોતાના હક માટે ખેડૂતો પોતાના ટ્રેકટરો સાથે આ રેલીમાં જોડાયા હતા. મામલતદાર કચેરીએ ખેડૂતોએ પોતાની વેદના મામલતદારને જણાવી હતી. દરમિયાન મામલતદારના એક પ્રશ્નના ઉત્તરમાં ખેડૂત દ્વારા જણાવાયું હતું કે આ ડીઝલ નહિ પણ ખેડૂતો પોતાનું લોહી બાળીને પોતાના હકની લડાઈ લડવા આવ્યા છે. સરકાર દ્વારા જાહેર MSP મુજબની ખરીદી નહિ કરાતા ખેડૂતોને માર્કેટમાં નુકશાન વેઠીને મગ વેચવા પડી રહ્યા છે. હજારો ખેડૂતોના હજારો ક્વિન્ટલ મગ યોગ્ય ભાવની આશાએ પડી રહ્યા છે જો જિલ્લાના તંત્ર દ્વારા આ મામલે કોઇ સમાધાન નહિ લાવવામાં આવે તો ખેડૂતોને મોટું નુકશાન ભોગવવું પડશે. મોંઘી ખેતી, અને ઓછી ઉપજ સામે નુકશાની વાળા માર્કેટ ભાવના કારણે વાગરા તેમજ આમોદ તાલુકાના ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટું જેવી થઈ છે.

સરકાર આ મુદ્દે વહેલી તકે સમાધાન લાવે અને યોગ્ય કિંમતે મગની ખરીદી કરે તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યા છે. અને જો આ માંગ નહિ સંતોષવામાં આવે તો જિલ્લા સ્તર સુધીના કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ અજીતસિંહ રાજ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ઘોઘંબામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓનાં અભાવ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

પિતાની હવસ નો ભોગ બનેલી કિશોરી માતા બની-બદકામ કરનાર પિતાની પુત્રીએ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો……!!!

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી અજમેર બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને સૂત્રધાર સુરેશ નાયરને ATS દ્વારા ઝડપી લેવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!