ભારત દેશમાં પ્રથમવાર રેલવે દ્વારા વલસાડ ખાતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 5 મહિનાનું આ કામ રેલવેની કન્સ્ટ્રકશન એજન્સી ઇરકોન દ્વારા ગણતરીના દિવસમાં જ પૂર્ણ કરી દેવાશે. પ્રતિરોજ 20 હજાર જેટલા વાહનોની અવરજવર સાથે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા જિલ્લા મથકના આ રેલવે બ્રિજને ઝડપથી તૈયાર કરવા રેલવેની પ્રોજેક્ટ ટીમ રાત દિવસ કામે લાગી છે. 75 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. 22 જૂન સુધીમાં આ બ્રિજ તૈયાર કરવા રેલવેનો લક્ષ્યાંક છે.
વલસાડથી પસાર થતાં મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે,ધરમપુર,અતુલ,પારડી,વાપી મુંબઇ તરફથી આવતા જતાં ટ્રાફિક માટે વલસાડ ખાતે ત્રિકોણીય ડિઝાઇન આકારનો રેલવે ઓવરબ્રિજ 50 વર્ષ પહેલા નિર્માણ કરાયો હતો. આ બ્રિજની વચ્ચેથી હાલમાં રેલવે દ્વારા ડીએફસીસીના પ્રોજેકટ હેઠળ નવા રેલવે ટ્રેક નાંખવામાં આવનાર છે. તેના માટે હયાત રેલવે ઓવરબ્રિજના ટ્રાફિકને બંધ કરવાની આવશ્યકતા ઉભી થતાં રેલવેની દરખાસ્ત મંજૂર કરી કલેક્ટરે 21 જૂન સુધી સુધી આ બ્રિજ અવરજવર માટે બંધ કરી ડાયવર્ઝનના નિર્દેશ સાથે જાહેરનામુ બહાર પાડ્યું હતું.