ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે “ U-Win” કાર્ડ અને ઇ-નિર્માણ પોર્ટલના કરાયેલા લોન્ચીંગ અન્વયે નર્મદા જિલ્લામાં પણ બાંધકામ ક્ષેત્રના અસંગઠિત શ્રમયોગીઓ અને બાંધકામ ક્ષેત્ર સિવાયના તમામ પ્રકારના અસંગઠિત શ્રમયોગીઓની જરૂરી નોંધણીની સાથે તે અંગેના કાર્ડ પુરા પાડવાની કામગીરી સુચારૂ રીતે હાથ ધરાય તે માટે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A) હેઠળના અંદાજે ૯૯ હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને આવરી લઇ, આ કામગીરી અત્યંત ઝડપથી પૂર્ણ થાય તે રીતની કાર્યયોજના ઘડી કાઢીને તેના સઘન અમલ માટે અમલીકરણ અધિકારીઓને સૂચના આપી છે.
જેમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીઓ તેમજ શ્રમ વિભાગના જિલ્લા CSC અને જે તે ગામના CSC સાથે જરૂરી સંકલન સાધીને આ કામગીરી સમયસર અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે જોવાનો ખાસ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બાંધકામ ક્ષેત્રના અસંગઠિત શ્રમયોગીઓ અને તે સિવાયના તમામ પ્રકારના અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી અને તેના લાભાર્થીઓ માટેની પાત્રતા સહિતની અન્ય આનુસંગિક તમામ બાબતોની જાણકારી સાથે સમજ અપાઇ હતી.
જિલ્લામાં નાગરિક પુરવઠા વિભાગ હેઠળની વાજબી ભાવની દુકાનો ઉપર N.F.S.A. ના અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતાં કુટુંબો ચાલુ માસે જે તે વિસ્તારની દુકાન ઉપર અનાજનો જથ્થો લેવા જાય ત્યારે આવા કુટુંબના લાભાર્થી વ્યક્તિઓના આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ, મોબાઇલ નંબર, રેશનકાર્ડ વગેરે દસ્તાવેજી પુરાવાની નકલો સાથે પહોંચે તેવી વ્યવસ્થા જિલ્લાકક્ષાએથી વહિવટીતંત્ર દ્વારા કરાઇ છે. જ્યારે રેશનકાર્ડ ન હોય તેવા કિસ્સામાં માસિક રૂા.૧૦ હજારથી ઓછી આવકનો દાખલો સંબંધિત લાભાર્થીએ રજૂ કરવાનો રહેશે. આ સમયે જે તે ગામના CSC દ્વારા સ્થળ પર જ “U-Win” કાર્ડ પુરૂં પડાશે. જ્યારે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ગત એક વર્ષમાં ઓછામાં ઓછા ૨૦ દિવસ બાંધકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ સ્થળ ઉપર નોંધણી કર્યા બાદ તેમના કાર્ડ મંજૂર થયે SMS થી જાણ કરાશે અને ત્યારબાદ નજીકના CSC સેન્ટર પરથી તેઓ રૂબરૂ કાર્ડ મેળવી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા