ભરૂચ જિલ્લામાં 5 મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. કેમિકલ હબ ગણાતા અંકલેશ્વરમાં કંપનીમાં આગજનીની ઘટનાઓ પણ અનેક બની રહી છે. ત્યારે યુપીએલ ગૃપે જિલ્લાના ઉદ્યોગોને અનુરૂપ અલાયદી યુનિવર્સિટી શરૂ કરવા માટે રાજ્યસરકાર સમક્ષ માંગણી કરી હતી. રાજ્યની સૌ પ્રથમ યુપીએલ યુનિવર્સિટી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર પોતાનો કોર્સ ડિઝાઈન કરશે. હવે ઉચ્ચત્તર અભ્યાસના ભરૂચના આંગણે જ વિદ્યાર્થીઓ માટે નવા દ્વારા ખુલ્યા છે. અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઈડીસીમાં કાર્યરત યુપીએલ ગૃપ દ્વારા વાલિયાના વટારિયા ખાતે વર્ષ 2011 માં શ્રોફ એસ. આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (SRICT) શરૂ કરવામાં આવી હતી. જે હવે યુપીએલ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. રાજ્યપાલે મંજૂરી આપતા યુનિવર્સિટી શરૂ કરવાની ગતિવિધિઓ તેજ બની ગઈ છે.
ભરૂચ જિલ્લામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ધ્યાને લઇને અહીં ઉદ્યોગોમાં જરૂરિયાત મુજબના સ્કીલ વર્ક ધરાવતા કામદારો, કંપની મેનેજમેન્ટના કોર્ષ, સ્કિલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ, ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી સહિત ઇન્ડસ્ટ્રીઝને અનુરૂપ અભ્યાસક્રમો અને પુસ્તકો ડિઝાઈન કરાશે. રોટરી એજ્યુકેશન સોસાયટી દ્વારા વર્ષ 2011માં SRICT ની સ્થાપના વટારીયા ખાતે કરાઈ હતી. સંસ્થા દ્વારા છેલ્લા 10 વર્ષથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં શિક્ષણ પૂરું પાડે છે. છેલ્લા 10 વર્ષમાં સંસ્થાએ ઉત્તમ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેસમેન્ટ અપાવવામાં સફળતા મળી છે. ખાનગી યુનિવર્સિટી બનતા ઉદ્યોગોની ડિમાન્ડ પ્રમાણેના નવા અભ્યાસક્રમો ડેવલપ કરાશે. ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર વધુ ભાર રહેશે. ફોરેન કન્ટ્રીમાં જે યુનિવર્સિટી હોય છે તેઓ સમયે સમયે જરૂરિયાત મુજબના કોર્સ બદલતી હોય છે. તેવી જ રીતે ભવિષ્યની જરૂરિયાત મુજબ કોર્સ બદલાતા રહેશે. – અશોક પંજવાણી, ડાયરેક્ટર, SRCT, વટારિયા.
યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ટેકનોલોજી ક્ષેત્રે ઉત્તમ શિક્ષણ આપી ઉદ્યોગોને કૌશલ્યવાન માનવ બળ પુરૂં પાડવાનો છે. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ સેફટી અને એન્વાયર્મેન્ટ, સસ્ટેનેબલ ટેકનોલોજીમાં સેન્ટર ઓફ એક્સેલેન્સ દ્વારા ભારત દેશને પ્રોસેસ સેફટી, એન્વાયર્મેન્ટ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે.