ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિશ્તિયા નગર માં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી. ચિશ્તિયા નગરમાં
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની અનોખી રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત,ભરુચ,વડોદરા તેમજ અન્ય જીલ્લાઓના વિવિધ કોવિડ કેર સેન્ટરથી સાજા થઇ ઘરે જતા દર્દીઓ, મેટરનિટિ હોસ્પિટલો, તબીબો તથા અન્ય દર્દીઓને ‘વૃક્ષો વાવી જતન કરીએ, મનમોહક વતન કરીએ‘ સૂત્ર સાથે વૃક્ષના વિવિધ છોડ આપી જતન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી અને તેઓના અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીના પ્રયાસ અને માર્ગદર્શન દ્વારા તા. ૦૬ /૦૧/ ૨૦૧૯ના રોજ મોટામિયાં માંગરોળના વાર્ષિક ઉર્સ નિમિત્તે પાલેજ ખાતે તેઓના નિવાસ સ્થાન ના પરિસરમાં વૃક્ષારોપણ કરી ઘરે -ઘરે વૃક્ષ વાવો સૂત્ર સાથે વૃક્ષો વાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઇ આજ સુધી અભિયાનને રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વેગવંતુ કરવા નિરંતર પ્રયત્નો કરવામાં આવે છે.
આ જ અભિયાન અંતર્ગત દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિને વિવિધ કાર્યકર્મોનું આયોજન પણ કરવામાં આવે છે, પરંતું ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઇ હતી.
રાજ્યના વિવિધ કોવિડ સેન્ટર પરથી કોરોના સામે જંગ જીતી સાજા થઇ ઘરે જતા દર્દીઓ તથા વિવિધ મેટરનિટિ હોમમાં જન્મેલા બાળકોના માતા-પિતા, તબીબો તથા અન્ય દવાખાનાઓમાં આવતા દર્દીઓને મોટામિયાં માંગરોલની ગાદીના સ્વયંસેવકોની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવી વૃક્ષ આપી તેનું જતન કરી, જીવનમાં તેનું મહત્વ સમજાવી પર્યાવરણની સંભાળમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી. અમુક જિલ્લાઓમાં વૃક્ષ સાથે ફ્રૂટનું વિતરણ પણ કરવામા આવશે. આ ઉપરાંત પણ વર્તમાન ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને અનુગામી ડો.મતાઉદ્દીન ચિશ્તી દ્વારા તેઓના અનુયાયીઓ સહિત સમગ્ર માનવસમાજને પણ પોતાના ઘરે આજના દિવસે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. વિવિધ હોસ્પિટલોએ આ પહેલ બિરદાવી સહકાર આપ્યો હતો.
વિશેષમાં તેઓ દ્રારા ખાસ સૂત્ર અને સંદેશ આપવામાં આવ્યો છે કે, હવેના સમયમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જરૂરી છે, વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી નિભાવશું ત્યારેજ વાસ્તવમાં પ્રકૃતિનું ઋણ અદા થશે. જીવનમાં ઘણીવાર નાની પહેલના અંતે મોટું પરિણામ પ્રાપ્ત થાય છે અને માનવ સમાજની પણ સેવા થાય છે. અત્રે નોંધવુ જરૂરી છે કે, આ ગાદીના વડિલ સંતો દ્વારા ઘેર-ઘેર ગાય પાળો અભિયાન ચલાવી એક લાખથી વધુ ગાયો પાળાવવામાં આવી હતી, ત્યારબાદ એક લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યાના ભગીરથ અભિયાનની સફળતા બાદ હવે હાલના સમયમાં જરૂરી હોય અને પર્યાવરણની કાળજી થાય એ હેતુથી ઘેર-ઘેર વૃક્ષ વાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખરેખર મોટામિયાં માંગરોળની ગાદીની દરેક પ્રવૃત્તિ સમાજને લાભદાયી હોય પ્રશંસાને પાત્ર છે.