ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે ત્યારે તેમનુ સ્વાસ્થય જલ્દીથી સારૂ થાય તે માટે ફેસબુક પર મુકવામાં આવેલી પોસ્ટ નીચે Rip In Advance ની કોમેન્ટ કરનારા યુવાન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સુત્રિય માહિતી અનુસાર ભરૂચના ભાજપના સાંસંદ મનસુખ વસાવા કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતાં. આ સંદર્ભમાં ભાવના પંચાલ નામની મહિલાએ તેમના ફેસબુક પેજ પર સાંસદ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરતી પોસ્ટ મુકી હતી. તેમણે લખ્યું હતું કે, “ પુર હોય વરસાદ હોય કે ભુકંપ હોય કે વાવાઝોડુ કે કોરોનાની મહામારી હોય હંમેશા જમીન પર ઉતરીને જનતાની સેવા કરતા સાંસદ મનસુખ વસાવા સાહેબ તબિયત બગડતાં યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને ત્યારે માં હરસિદ્ધિ માતાજીને એટલી પ્રાર્થના કરીશ કે સાહેબ જલ્દી સાજા થઇ જાય અને જનતાની સેવા કાર્યમાં પાછા જોડાઇ તેમ લખવામાં આવ્યું હતું. આ પોસ્ટ ઉપર સાહીલ પઠાણ એ અંગ્રેજી ભાષામાં “ Rip in advance ” લખી કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટથી તેમણે લોકોમાં સુલેહ શાંતિનો ભંગ થાય અને અપમાન કરી ઉશ્કેરણી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાતા તેમની સામે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.