તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ કરેલ છે. બંદર અને મત્સોદ્યોગ વિભાગ, ગાંધીનગરના નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એન્જીન, સ્ટેઈક નેટસ, બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી તે મતલબની પણ જોગવાઈ છે. આમ, ઉક્ત જોગવાઈથી બોટ તેમજ યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. તેમજ ક્લોઝ-૬(૮)(એફ) થી (૧) ટોર ટોર (૨) હિલ્સા તથા (૩) રોઝનબર્ગી માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવેલ છે.
ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરીયાના પાણીથી ઓછી ખારાશવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે. હિલ્સા માછલી જૈવિક લાક્ષણિકતા ધરાવે છે અને ખૂબ જ ઓછા જળાશયોમાં તે ઉપલબ્ધ થાય છે. જેથી ઉક્ત જણાવેલ પ્રતિબંધ અમલમાં હોવા છતાં ઘણા માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથીએ પસાર થતી નર્મદા નદીમાં બોટ તથા યાંત્રિક બોટથી માછીમારી કરવામાં આવે છે તેમજ અનુભવે જણાયેલ છે કે, ઉક્ત આદેશની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલ ગામો કુકરવાડા, વેરવાડા, વડવા, ભાડભૂત, કાસવા, સમની, મનાડ, મહેગામ, દહેજ, લુવારા, અંભેટા, જાગેશ્વર, સુવા, વેંગણી, કોલિયાદ, કલાદરા વિગેરે ગામોના કિનારા વિસ્તારમાં કેટલાંક સ્થળે નદીના અંદરના ભાગમાં મચ્છીમારી માટેની સીઝનની પૂર્વ તૈયારી ભાગરૂપે ખૂંટા-ગલાના સ્વરૂપે નાંખવામાં આવે છે. ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા મચ્છી પ્રજનન માટે દરિયાના પાણીથી ઓછી ખારાશવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે જેથી ખૂંટા પધ્ધતિથી થતી માછીમારીથી હિલ્સા નર – માદા મચ્છીને નર્મદા નદીમાં પ્રવેશતાની સાથે માસકેપ્ચર કરી લેવામાં આવે છે તેમજ ખૂંટા-ગલાનાં નાંખવાને કારણે હોડીઓ પાણીમાં વચ્ચે લગાડેલ ખૂંટાઓમાં જાળો ફસાઈ જવાથી નુકશાન થવા ઉપરાંત હોડી પણ ઉંધી વળી જવાની અને જાનહાનિ થવાની સંભાવના છે.
નર્મદા નદીમાં મંડાળા બાંધી ખૂંટા લગાવી જાળો બાંધવાના અવરોધથી નર્મદા નદીમાં અવરજવર કરતી હોડીઓને અડચણરૂપ થાય છે તેમજ હોડી જાળમાં ફસાઈ જાય તો હોડી ડૂબી જવાથી અકસ્માત થવાની શક્યતા રહેલી છે તેમજ જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે ઉપરાંત નદીમાં ભરતી સમયે આ ખૂંટાઓ પાણીના નીચે તળિયાને ભાગે જતા રહેતા હોવાથી દેખાતા બંધ થવાથી મોટી દુર્ઘટના પણ થવાનો ભય રહેલ છે.
ઉપરના કારણોને ધ્યાને લઈ હાલમાં લોકો હોડીઓની મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોઈ આ અવરજવર કરતાં હોડી, વહાણ કે તેમા રહેલ કોઈ પણ વ્યક્તિને થતી અડચણ નુકશાન અટકાવવા તથા લોકોની જાન કે સલામતીને થતુ જોખમ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા ચોડવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂ એ ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવવા આથી હુકમ કરવામાં આવે છે.