દારૂ, જુગાર, નશીલા દ્રવ્યો અને કેમિકલ ચોરીના ગેરકાયદેસર ધંધાઓ માટે વર્ષોથી ભરૂચ જિલ્લો તેની ભૌગોલિક સ્થિતિને કારણે બુટલેગરો, કેમિકલ માફિયાઓ અને ડ્રગ્સ સ્મગલરો માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે.
બોર્ડની પરીક્ષામાં ચોરીઓ માટે જેમ અમુક કેન્દ્રો બદનામ હોય છે, તદ્દન એવું જ!!. એમાં એકાદ ક્લાસરૂમના કડક સુપરવાઇઝરથી ખાસ કંઈ ફેર ના પડે!. છીંડા કાયમ રહેવાને કારણે જ પરીક્ષામાં ચોરીઓ માટે કેન્દ્ર બદનામ હોય છે.
કેમિકલ ચોરી માટે પહેલા અંકલેશ્વર અને પાનોલી કુખ્યાત હતા. હવે દહેજ તરફ પણ “ધંધો” વિકસ્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને હાલમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે આ વાત ઉઘાડી પાડી. અડ્ડા ઝડપાયા. એકાદ કરોડ રૂપિયા ઉપરાંતનું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. એ પૂર્વે લાખોનો દારૂ અને જુગારધામ …!! કેમિકલ ચોરીની મોડસ ઓપરેન્ડી પણ સરખી જ.. કંપનીઓમાં આવતા કેમિકલ ભરેલા ટેન્કરમાંથી થોડું થોડું કેમિકલ સરકાવી લેવાનું અને પછી છૂટક બેરલો વેચી દેવાના. ( આવા છૂટક કેમિકલ ભરેલા બેરલો ખરીદીને વેચતા ટ્રેડર્સ કે ફેક્ટરીઓ ચલાવનારા જવલ્લે જ ઝડપાયા છે. કેમ??)
મોંઘા ભાવની બજાર કિંમતના કેમિકલ સસ્તામાં ખરીદીને વેપલો કરનારા કહેવાતા ઉદ્યોગપતિઓ શું તેમના પ્રદૂષિત પ્રવાહીનું યોગ્ય ટ્રીટમેન્ટ કરે?? (જવાબ છે :-ના… એમ તો કોઈ ચોર સાહુકારી દાખવે??)
આવા ઉપલબ્ધ ખરીદદારોને કારણે જ ભરૂચ જિલ્લો કેમિકલ ચોરી માટે કુખ્યાત છે. એ જ નિયમ દારૂ માટે પણ લાગુ પડે છે. એન્ટીક્યુટી કે બ્લેકડોગની ડિમાન્ડ કરનારા ( એટલે કે માંગો તે ભાવે દારૂ ખરીદનારા ) જ્યાં હાજર હોય ત્યાં બુટલેગરો ટ્રકો ભરીને માલ મંગાવે જ ને ?? એક જ ફેરામાં લાખોની ઊથલપાથલ થતી હોય ત્યાં “વચ્ચે” નડતા પરિબળોને સામ-દામ-દંડથી શાંત પાડવાની ધંધાકીય સૂઝ પણ બુટલેગરો કેળવીને જ બેઠા હોય છે.
જોકે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાની રીતે ગેરકાયદેસર ચાલતા દારૂ જુગારના રેકેટ તોડવાની કોશિશ કરતું રહેતું હોય છે. પરંતુ છીંડા રહી જ જાય છે. ( એવા બે ચાર છીંડા શોધીને સ્ટેટ મોનિટરિંગવાળા પણ હાઈલાઈટમાં આવી જાય છે). જ્યાંથી આજે દારૂ, જુગાર કે કેમિકલ ચોરીનું રેકેટ પકડાયું ત્યાં જ આવનારા દિવસોમાં બધું ફરીથી મળતું, રમતું અને નીકળતું થઈ જાય, તો તે કોના પાપે?? છીંડા જ ને….!!
આમ પ્રજા પણ હવે તો સમજતી થઇ ગઇ છે કે ઉંદર બિલાડીનો આ ખેલ ચાલતો આવ્યો છે એમ ચાલ્યા જ કરશે. પરંતુ આને કારણે પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ સંનિષ્ઠ અધિકારીઓનો કે કર્મચારીઓનો ભોગ ન લેવાવો જોઈએ. ઉપરની સીધી લાઇનવાળા, પોતાની હાથ નીચેના નાના અધિકારી કે કોન્સ્ટેબલને બલિનો બકરો ના બનાવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
રહી વાત છીંડા પૂરવાની, તો… સાહેબ, ગૃહખાતા એ નીમેલી વિવિધ એજન્સીઓને ભૂખે મારવાની છે?? હેં??