ભરૂચ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. કોરોનાકાળમાં બેકાર બનેલા લોકો પોતાનું પેટ ભરવા માટે હવે ન કરવાના કામો તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ભરૂચ પોલીસ દ્વારા કોઈ સખત પગલું ન લેવાતું હોય એમ જણાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ સરકારી કાયદાઓ અને વ્યવસ્થા વિરૂધ્ધના બનાવો જોવા મળ્યા હતા ઠેર-ઠેર ચોરી લૂંટફાટ મારામારી હત્યા જેવા ચકચાર મચાવે તેવા બનાવો સામે આવ્યા હતા. ભરૂચના લાલબજાર વિસ્તારમાં બે મિત્રો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં મારક હથિયારો ઉછળતાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેઓને ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાખલ કરાયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં જ બેડની ચાદરની કિનારી કાપી એનો ગાળિયો બનાવી પંખા સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં કોલેજ સ્ટાફમાં દોડધામ મચી હતી. નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલકને મારમારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટરનું કામ કરતાં 48 વર્ષીય અર્જુન ચૌધરીનું રૂપિયાની લેવડ દેવડ બાબતે કોન્ટ્રાકટરનું અપહરણ કર્યા બાદ તેને માર મારી છોડી મુકાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભરૂચમાં દારૂબંધીના ઉડયા ધજાગરા, શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગની દુકાનો બહાર ખાલી બોક્સ અને બોટલો ઓફિસના નકુચા સાથે કોઈક તત્વો લગાવીને જતા રહેતા ચકચાર મચ્યો હતો, મહત્વનું છે કે નગરપાલિકા સંચાલિત આ શોપિંગ સેન્ટર જાણે કે નશાબાજ તત્વો માટે આશીર્વાદ રૂપ બન્યો હોય તેમ લાગી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં બનેલ આ ચકચારી આ ઘટનાઓને પગલે ભરૂચ પોલીસ તંત્ર દોડતું થયું હતું