પ્રાપ્ત માહિત મુજબ વાલીયા તાલુકાના પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે આશાવર્કરનો સ્નાન કરતો વિડીયો ઉતારવાનો મામલો બહાર આવ્યો છે. આશાવર્કર મહિલાએ આ અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઓપરેટર ફરાર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરસિંગ સુખદેવ વસાવા નેત્રંગ તાલુકાની પઠાર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે.
સુરસિંગ વસાવાએ પંચાયતની નજીક રહેતી એક આશાવર્કર નાવણીયામાં સ્નાન કરતી હતી તેનો વિડીયો ઉતારવા મોબાઈલ પંચાયતની બારીમાં મુક્યો હતો. દરમ્યાન આશાવર્કરની નજર પંચાયત ઓફિસની બારી પર જતાં મોબાઈલ જોઈ તેને કોઈ વિડીયો ઉતારતો હોવાની શંકા ગઈ હતી. આશાવર્કરે આ અંગે તેના પતિને જાણ કરતા પતિએ પંચાયત ઓફિસમાં જઇ મોબાઈલ પોતાના કબજામાં લીધો હતો. મોબાઈલ લોક હોવાથી કોનો છે તે જાણી શકાયું ન હતું. જોકે તે સમયે જ મોબાઈલ પર કોઈનો કોલ આવતા તે સુરસિંગ વાસવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોતાનું નામ બહાર આવતા જ સુરસિંગ ફરાર થઈ ગયો હતો. જેના પગલે આશાવર્કરે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર સુરસિંગને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.