ભરૂચ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા જે તે વિસ્તારોમાં નિયમિત કચરાનું કલેકશન નહિ કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે, ભરૂચના રાજપૂત છાત્રલય નજીક મજમુદાર એસ્ટેટમાં રહેતા જાગૃત નાગરિક બિપિન ચંદ્ર જગદીશ વાલાએ આજે પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
બિપિન ભાઈએ જણાવ્યું હતું કે તેઓએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતા કર્મીઓને અને પાલીકાને અનેકવાર રજુઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં તેમજ ભરૂચના અન્ય કેટલાય વિસ્તારો કચરો કલેકશન કરતી ગાડીઓ નિયમિત આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે કોન્ટ્રાક્ટના કર્મીઓને પૂછતાં તેઓ ટ્રેક્ટર ખરાબ થયું છે સહીતના બહાના કાઢતા હોય છે, જેથી આખો દિવસ એ ટ્રેક્ટર કોઈ પણ વિસ્તારમાં જતું નથી. લોકોને પડતી તકલીફના કારણે કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવાની તેઓએ માંગ કરી હતી.
અવારનવારની રજુઆત છતાં તેઓની વાતનું નિરાકરણ ન આવતા આખરે જાગૃત નાગરિક બિપિન ચંદ્ર જગદીશવાલાએ આજે પાલીકા કચેરી ખાતે સીટી વગાડીને ધસી જઈ તેઓની પત્ની સાથે ચીફ ઓફિસરની કેબીન બહાર બેસી જઈ પાલિકા સામે ડોર ટુ ડોર કલેકશનમાં ભ્રષ્ટાચાર ચાલતું હોવાના આક્ષેપો કર્યા હતા અને તેઓની સમસ્યાનું જ્યાં સુધી નિરાકરણ નહિ આવે ત્યાં સુધી પાલીકા ખાતે બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
તો બીજી તરફ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ બિપિન ચંદ્ર દ્વારા કરવામાં આવેલ આક્ષેપોનું ખંડન કર્યું હતું અને પાલિકાના કર્મીઓ રોજબ રોજ સફાઈ અને કચરો કલેકશન કરવાં જાય છે તેમ જણાવી સમગ્ર બાબતે રાજકીય રીતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું.