ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં તૌકતે વાવાઝોડાએ દહેશત મચાવી છે. જોકે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી જાનહાની થઇ નથી. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં કાચા મકાનો સહિતની મિલકતને ભારે નુકશાની થઇ છે. લોકોના પાકોને ભારે નુકશાન થયું છે, અને ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતાની સાથે જ વીજ પોલ પણ ધરાશાયી થયા છે જેને પગલે વીજ પુરવઠો બંધ થયો હતો.
છેલ્લા ચાર દિવસમાં તૌકતે વાવઝોડાના કારણે ભરૂચ જીલ્લામાં 313 જેટલી જગ્યાએ વીજ પૂરવઠો બંધ રહ્યો હતો જેને પગલે છેલ્લા 4 દિવસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ સહિત તાલુકાઓમાં પણ વિજપુરવઠો ખોરવાયો હતો જેમાં ભરૂચ શહેરમાં 56 જગ્યાએ, વાગરામાં 88 જગ્યાએ, જંબુસરમાં 41 જગ્યાએ, હાંસોટમાં 30 જેટલી જગ્યાએ, આમોદમાં 36 જગ્યાએ, અંકલેશ્વરમાં 15 જગ્યાએ, ઝઘડિયામાં 1 જગ્યાએ, વાલિયામાં 12 જગ્યાએ અને નેત્રંગમાં 34 જેટલા અંતરિયાળ ગામોમાં વિજપુરવઠો ખોરવાયો હતો જેને પગલે લોકોના ઘણા કામો અટવાયા હતા. કોરોનાના પગલે જે લોકો ઘરેથી કામ કરતાં હોય છે તેમણે કામ કરવું ઘણું મુશ્કેલ બન્યું હતું સાથે વિલાયત જી.આઈ.ડી.સી.માં પણ વીજ પુરવઠો બંધ હોવાને કારણે ઉત્પાદનનું કામ અટક્યું હતું જેને પગલે કરોડોનું નુકશાન ભોગવવાનો વારો જે તે કંપનીને આવ્યો છે, રિપોર્ટ અનુસાર તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.