ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ પારિજાતક સોસાયટીમાં આવેલ એક બંધ મકાનના નકુચા તોડી સોનાના દાગીના સહિત ૩ લાખ ઉપરાંતના મત્તા ઉપર હાથફેરો કરી અજાણ્યા તસ્કરો પલાયન થયા હોવાની ફરિયાદના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે મામલે વધુ તપાસ હાથધરી હતી.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં ભરૂચ શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરાની મદદથી સિકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપીઓને રોકડ રૂપિયા સહિત ચોરી કરવામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સિકલીગર ગેંગ દ્વારા ભરૂચ શહેરમાં પારિજાતક સોસાયટીના એક મકાનમાં ચોરી તેમજ આનંદ નગર વિસ્તારના એક મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી કરવા સાથે ચાવજ રોડ પર આવેલ પુરસોત્તમ સોસાયટીમાંથી એક ઇકો કાર ચોરી કરી આંગન એપાર્ટમેન્ટ પાસે ચોરી કરવાની કોશિશ કરી ઇકો કારને બિન વારસી હાલતમાં છોડી દીધા હોવાની ઘટનાઓને અંજામ આપ્યો છે.
હાલ મામલે ગેંગના ત્રણ આરોપીઓ (1) જસપાલસિંગ ઉર્ફે જેપીસિંગ સિકલીગર જે અગાઉ ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ સુરત થતા વડોદરા ખાતે 70 થી વધુ વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે, તેમજ આરોપી નંબર (૨) લાખનસિંગ લાલસિંગ બાવરી (સિકલીગર) અગાઉ અમદાવાદ, ભરૂચ, તથા અંકલેશ્વરમાં પાંચ જેટલી ઘરફોડ ચોરીઓમાં પકડાયેલ છે સાથે જ આરોપી નંબર (૩) જોગિંદર સિંગ ઉર્ફે જોગી સિકલીગર અગાઉ નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર, તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં છ થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.
હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી ૫૦ હજાર રૂપિયા રોકડા, હોન્ડા ડ્રિમ યુગા મો.સા કિંમત ૩૦ હજાર તેમજ ૩ મોબાઈલ ફોન કિંમત રૂ.૫૫૦૦ ના તમામ આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
– સિકલીગર ગેંગની એમ.ઓ…..
ગેંગના આરોપીઓ પોતાનું વાહન લઇ અવાવરું જગ્યાએ ભેગા મળતા હતા અને ત્યારબાદ ચોરી કરેલ ઇકો કાર લઈ જે તે વિસ્તારમાં ઘરફોડ ચોરીવાળી જગ્યાએ પહોંચતા હતા અને બંધ દરવાજાના નકુચો ડિસમિસ વડે તોડી અંદર પ્રવેશ કરી સોના, ચાંદી દાગીના તથા રોકડની ચોરી કરી ચોરી કરેલ વાહનને કોઈ પણ અવાવરું જગ્યાએ બિનવારસી મૂકી ભાગી જતા હતા.