ભરૂચની પટેલ વેલ્ફર હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ કોવિડ વોર્ડના આઈ.સી.યુ વિભાગમાં આગ લગાવની દુર્ઘટના બની હતી, જેમાં ૧૮ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, દુર્ઘટના બાદ હોસ્પિટલને કોવિડ પેશન્ટ માટે બંધ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં લાગેલ આગ અને તેમાં થયેલ અનેક લોકોના મોતથી દેશ સહિત વિદેશમાં પણ લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા, હર હંમેશ કોરોના કાળમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલ પટેલ વેલ્ફર હોસ્પિટલમાં આગ બાદ મોટું નુકસાન સામે આવ્યું હતું.
હોસ્પિટલ ફરીથી ગરીબ, મધ્યમ વર્ગ અને જિલ્લાના લોકો માટે વહેલી તકે કાર્યરત થાય માટે હવે વિદેશથી પણ મદદ મળવાની શરૂઆત થઇ છે, મૂળ ભારતીય અને કેનેડામાં સ્થાઈ થયેલ સામાજિક કાર્યકર એવા ઐયુબ વલી કાળાના પુત્ર મોહસીન કાળાએ સોશિયલ મિડિયાના માધ્યમથી વિદેશમાં વસતા મિત્ર મંડળ પાસેથી ફંડ એકત્ર કર્યો હતો, વેલ્ફર હોસ્પિટલના ટ્રસ્ટીઓને ફંડ એકત્ર કરી ૧૦ હજાર ડોલરની મદદ પહોંચાડી હતી.
માત્ર ૩ દિવસના સમયમાં મોહસીને ૧૦ હજાર ડોલર એકત્ર કરી હોસ્પિટલ ફરીથી રાબેતા મુજબ કાર્યરત થાય અને લોકોને મદદમાં કોઇ મુશ્કેલી ન પડે માટે મોહસીને વિચાર આવ્યો હતો અને તેણે આ આખું આયોજન કરી તેણે તાત્કાલિક મદદનો ચેક આજે ઇન્ડિયા ખાતે તેના સ્વજનો થકી હોસ્પિટલના ટ્રસ્ટીઓ સુધી પહોંચાડયો હતો.
મહત્વનું છે કે મોહસીનના પિતા ઐયુબ વલી કાળા પણ ભરૂચમાં સામાજીક કાર્ય માટે હર હંમેશ લોકોની સેવામાં જોતરાયેલા નજરે પડતા હતા, જેઓ પણ હાલ કેનેડા ખાતે સ્થાઈ થયા છે, પરંતુ કેનેડામાં રહીને પણ હંમેશ ભરૂચની ચિંતા તેઓના હૃદયમાં રહે છે, હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીમાં પણ અનેક લોકો તેઓને યાદ કરી રહ્યા છે ત્યારે મોહસીને જણાવ્યું હતું કે તેઓની સંવેદનાઓ હંમેશા અહિયાના લોકો માટે છે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તેઓ લોકોને મદદ રૂપ થવા માટે કેનેડાથી સક્રિય રહેશે પરંતુ હાલમાં સ્થાનિક સામાજીક કાર્યકર્તા લોકો કોરોના મહામારીમાં કોઈ પણ દર્દીઓને તકલીફ ન પડે માટે જરૂરી સહાય અને બનતી મદદ કરે તે જરૂરી છે.