ભરૂચ જીલ્લાના બલદવા, પીંગોટ, ધોલી ડેમના પાણીના સ્તરમાં ધરખમ ધટાડો જણાઇ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના સાતપુડા ડુંગરના હારમાળામાં આવેલ નેત્રંગ તાલુકાની ટોકરી નદી ઉપર બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે, જેને આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં લોકોની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલ ૪૫ વષૅથી તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૩૦૦-૩૫૦ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે, બાકીની ૪૦૦૦ હેક્ટરથી વધુ જમીન સિંચાઈના પાણીથી વંચિત રહે છે.
જેમાં ચોમાસાની સિઝનમાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ત્રણેય ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો હતો, પરંતુ ઉનાળાની સિઝનના પ્રારંભની સાથે જ ત્રણેય ડેમના પાણીના સ્તરમાં ભયંકર ધટાડો થઇ રહ્યાનું જાણવા મળ્યું છે, મે માસના પ્રથમ સપ્તાહમાં બલદવા ૫.૮૯ મીટર, પીંગોટ ૪.૪૫ મીટર અને ધોલી ૩.૦૫ મીટર પાણીના લેવલમાં ધરખમ ઘટાડો થયો છે, તેવા સંજોગોમાં બલદવા-પીંગોટ ડેમમાંથી ૨૦-૨૫ મે સુધી જ સિંચાઈ માટેનું પાણી મળશે તેવું સુત્રો પાસેથી જાણવા મળતા ખેડુત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે નેત્રંગ તાલુકાભરના નાના-મોટા તળાવ, ચેકડેમ, બોર-કુવામાં પાણી ભુગૅભમાં ઉતરી રહ્યા છે, જેથી આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં પીવા-સિંચાઇના પાણી પ્રશ્રનો ઉદભવશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.