– ૪૦ હજાર રૂપિયાની સોનાની ચેન અને ૧૦ હજારની સોનાની બંગડી ગુમ થતા દર્દીના પરિવારની પોલીસ ફરિયાદ..
– દર્દીએ પહેરેલા દાગીના ગુમ થતા સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરી યોગ્ય જવાબ ન મળતા દર્દીના પરિવારમાં રોષ..
– હાથમાં પહેરેલી સોનાની બંગડી અને ગળામાં રહેલા સોનાનો અછોડો ગુમ થતાં ફરિયાદ..
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મોત નીપજયું હતું જેમાં દર્દીના શરીર ઉપર રહેલા સોનાના દાગીના ગુમ થતા દર્દીના પરિવારે સિવિલ હોસ્પિટલ સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ કોઇ યોગ્ય જવાબ ન મળતા દર્દીના પરિવારને ન્યાય આશાએ પોલીસમાં ફરિયાદ કરવાની કામગીરી કરી હતી ત્યારે હવે મૃત્યુ બાદ પણ દાગીનાની ચોરી થતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના નવી વસાહત વિસ્તારમાં રહેતા સરોજબેન મણીભાઈ રાણા નાઓને કોરોનાના લક્ષણ લાગતા તેઓને તાત્કાલીક સારવાર માટે ગત તારીખ ૨૬/૪/૨૦૨૧ ના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તે સમયે તેઓના ગળામાં સોનાની ચેન અંદાજિત કિંમત રૂપિયા ૪૦ હજાર બંને હાથમાં સોનાની બંગડીની કિંમત રૂપિયા અંદાજીત ૧૦ હજાર અને નાકમાં સોનાની ઝળ પહેરેલી હતી પરંતુ સરોજબેન રાણાનું તારીખ ૨૭/૪/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો જે અંગેની જાણ તેમના પરિવારને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન સાથે શોક વ્યક્ત કર્યો હતા. જોકે સરોજબેન રાણાના મૃતદેહને પીપી કિટમાં કોવિડની ગાઈડલાઈન મુજબ પરિવારને સોંપવામાં આવી હતી જેના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવા માટે એમ્બ્યુલન્સ મારફતે તેઓનો પરિવાર લઈ ગયો હતો તે દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા મૃતકના પુત્ર કિર્તીભાઈ રાણાએ તેઓની માતાએ પહેરેલા ઘરેણા ચેક કરતાં તેઓના ઘરેણા ગુમ થયા હતા, જોકે અંતિમ સંસ્કાર કર્યા બાદ તુરંત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સિવિલ સત્તાધીશોને મૃતકે પહેરેલા દાગીના ગુમ હોવાની જાણ કરતા તેઓએ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો પરંતુ હોસ્પિટલમાં કોઈએ તેના દાગીના ચોરી લીધા હોવાની ફરિયાદ કરી હતી ત્યારે હવે સિવિલ સત્તાધીશોમાં માનવતા મરી પરવારી છે દર્દીના મૃત્યુ બાદ પણ તેના શરીર ઉપર રહેલા દાગીના પણ કાઢી લેતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે થયો છે.
જોકે સમગ્ર મુદ્દે કિર્તીભાઈ રાણાએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તેઓની માતાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપી ન્યાયની આશા વ્યક્ત કરી છે.