ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે, એક તરફ વધતા જતા સંક્રમણને લઇ હોસ્પિટલો હાઉસફુલ બની છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર યથાવત છે, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ પ્રોટોકોલ આધીન ૫૦ થી વધુ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા છે, આજે વહેલી સવારથી બપોર સુધી એક સાથે ૧૫ મૃતદેહ આવતા સ્મશાનમાં મૃતદેહ લઈ એમ્બ્યુલન્સો અંતિમવિધિ માટે વેઇટિંગ લાઈનમાં જોવા મળી હતી.
જાણવા મળ્યા મુજબ કોવિડ સ્મશાનમાં ગતરોજ ૪૩ મૃતદેહોના અગ્નિસંસ્કાર તો આજે વહેલી સવારથી ૧૫ મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે, તો બીજી તરફ કોવિડ પ્રોટોકોલને આધીન કબ્રસ્તાનમાં પણ અત્યાર સુધી અનેક મૃતદેહની દફનવિધિ કરવામાં આવી છે, વધતા જતા સંક્રમણ વચ્ચે ભરૂચ જિલ્લામાં અનેક દર્દીઓ દમ તોડી રહ્યા છે.
જિલ્લામાં દિવસેને દીવસે વધતા મૃત્યુ આંક જ્યાં લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે તો તંત્રમાં માત્ર અત્યાર સુધી ૫૭ જેટલા મૃતદેહ સત્તાવાર નોંધાયા છે તેની સામે ૧૫૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે તંત્રના આંકડા અને સ્મશાન, કબ્રસ્તાનમાંથી સામે આવતા આંકડામાં મોટો ફરક જોવા મળી રહ્યો છે.
ભરૂચમાં કોવિડ સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે લાગી એમ્બ્યુલન્સોની લાઈનો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ થી વધુ મૃતદેહને અપાયા અગ્નિદાહ…
Advertisement