ભરૂચ જિલ્લામાં કોરોના કહેર વધતા સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી, દવાઓની અછત છે, ઓક્સિજનનાં બોટલો પૂરતા મળતા નથી. તેવા સંજોગોમાં દહેજ પંથકમાં સંપૂર્ણ સુવિધાઓ સાથેની 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેકટર, જી.આઈ.ડી.સી. દહેજ સહિતના લોકોએ સંયુક્ત રીતે ઉભી કરેલ દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતના પગલે જિલ્લા કલેકટરની સૂચનાથી કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ છે. આજરોજ ધારાસભ્ય અરુણસિંહ રણાએ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
હોસ્પિટલમાં 50 બેડની સુવિધા છે. જેમાં 8 આઇસીયું બેડ જેમાં બે બેડ પર વેન્ટીલેટરની સુવિધા છે. 20 બેડ પર ઓક્સિજનની સુવિધા છે. બે પુરુષના અને બે મહિલાના મળી કુલ ચાર જેટલા જનરલ વોર્ડ, ચાર સ્પેશિયલ અને ચાર સેમી સ્પેશિયલ વોર્ડની સુવિધા છે. આગામી દિવસોમાં ઓક્સિજન માટે ટેન્ક મુકવાની વ્યવસ્થાઓ ઉભી કરવાની તૈયારી છે. ત્રણ એમ.ડી.સહિત સાત જેટલા તબીબો સેવા આપશે. પેરા મેડિકલ સ્ટાફ ઉભો કરવાની કવાયત પણ ચાલી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન અને દવાઓ પુરી પાડવામાં આવશે એટલું જ નહીં ઇન હાઉસ દર્દીઓ માટે કોવિડ સહિતના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભરૂચ અથવા વડોદરા મોકલવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે દહેજ પંથક ઔદ્યોગિક હબ છે. અનેક મોટા ઉદ્યોગો અહીં કાર્યરત છે. અહીં મોટી સંખ્યામાં કામદારોની કોલોની અને વસાહતો છે. દહેજ તથા આસપાસના ગામોમાં મોટાપાયે કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે. પરંતુ આખા પંથકમાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી હોસ્પિટલનો અભાવ છે. ત્યારે ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેકટર અને જીઆઇડીસીના સંયુક્ત પ્રયાસોથી 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાતા દહેજ પંથકના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બનશે.
ભરૂચ : દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ.
Advertisement