ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાનો કાળો કહેર યથાવત છે, રોજના કોરોના પોઝીટીવ કેસોમાં ધરખમ વધારો સામે આવી રહ્યો છે, કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાન મૃતકોની અંતિમવિધિ અને દફન વિધી થઈ રહી છે, લોકો મહામારીમાંથી ક્યારે બહાર નીકળે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, તેવામાં આ મહામારી વચ્ચે કૌભાંડો પણ સામે આવી રહ્યા છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરના જોગર્સ પાર્ક વિસ્તારમાં દરોડા પાડી રેમડીસીવીર ઈન્જેકશનની કાળા બજારી કરતાં ૩ ઇસમો પર કાળા બજારી કરતાં ગુનો દાખલ કરી અને બે ઈસમોની ધરપકડ કરવામાં આવી, ગેરકાયદેસર રીતે ઇન્જેક્શનનું કોરોના દર્દીના પરિવાજનોને ઉંચા ભાવે વહેંચી કૌભાંડને અંજામ આપનાર (૧) રાધવેન્દ્રસિંગ મલખાનસિંગ રહે.ગાર્ડન સીટી અંકલેશ્વર તેમજ (૨) ઋસંક મુકેશભાઈ બાબુલાલ શાહ રહે.જલધારા ચોકડી અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર નાઓની મામલે ધરપકડ કરવામાં આવી છે તેમજ નેત્રંગ ખાતેના સિધ્ધાર્થ મહિડા નામના એક તબીબને ફરાર જાહેર કરી ક્રાઈમ બ્રાંચે મામલે વધુ તપાસ હાથધરી છે.
ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલા બંને ઈસમો પાસેથી કુલ ૭,૧૫,૫૯૬ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં એક ફોર વ્હીલ કાર, મોબાઈલ ફોન તેમજ ૯ ઇન્જેક્શન સહિત રોકડ રકમનો સમાવેશ થાય છે, હાલ આ મહામારી વચ્ચે કાળા બજારીનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, ઇન્જેક્શન ક્યાંથી કેવી રીતે લાવવામાં આવતા હતા તેમજ અત્યાર સુધી કેટલા ઇન્જેક્શનની કાળા બજારી કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે.
મહત્વની બાબત છે કે ભરૂચમાં એક તરફ મોતનું તાંડવ સર્જાયું છે, દર્દીઓ એક બાદ એક હોસ્પિટલોમાં દમ તોડી રહ્યા છે, તંત્ર દ્વારા લોકોને હાલાકી ન પડે માટે રેમડીસીવીર ઈન્જેકશન જે તે હોસ્પિટલમાંથી દર્દીઓની વિગત મેલ કરવામાં આવે તો સીધા જ હોસ્પિટલના સંપર્કમાં રહી ઇન્જેક્શન પહોંચાડવામાં આવી રહ્યા છે, તેવામાં આ પ્રકારે ઇન્જેક્શનની સંગ્રહ કરી રાખી તેની કાળા બજારી કરતા આવા મોતના સોદાગરો સામે લોકો પણ ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે.