ભરૂચ જિલ્લાના ભામાશા ગણાતા પૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલાએ પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ વિનામૂલ્યે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને સુપ્રત કરી છે.આ હોસ્પિટલ આરોગ્ય વિભાગને સોંપવા માટે તેઓએ દેશના વડાપ્રધાનને સંબોધીને એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાઠવ્યો છે.
પૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના માનવીને મળે તેવા હેતુ સાથે ‘સીતારામ સેવા ટ્રસ્ટ’ અમારી સંસ્થા દ્વારા દક્ષિણ ગુજરાત, ભરૂચ, માંગરોલ, માંડવી વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 500 બેડની હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં હોસ્પિટલ ને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હોય તો આ હોસ્પિટલ સામાન્ય પ્રયાસોથી ફરી કાર્યરત કરી શકાશે. હાલના સમયમાં દેશની જનતાને આરોગ્યની સવલતો પ્રાપ્ત થતી નથી, સરકાર આ મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ પર જન સહયોગ પણ અત્યંત જરૂરી છે આથી આરોગ્ય વિભાગને અમારી રજૂઆત છે કે આ હોસ્પિટલનો સ્વીકાર કરી અને આદિવાસી વિસ્તારમાં આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવી.