ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા સતત વધતી જાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ કૂદકેને ભૂસકે વધારો થતો જાય છે મૃત્યુ આંક પણ વધતો જાય છે તેવામાં સરકાર દ્વારા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં વધારો કરવામાં આવતો નથી.
વૈશ્વિક મહામારી કોરોનામાં ગુજરાતમાં 3 જિલ્લામાં મૃત્યુઆંક અને પોઝિટિવ કેસોની સંખ્યામાં ભરૂચ બીજા ક્રમે આવે છે. આજે ભરૂચમાં સ્થિતિ વધુને વધુ કથળતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો નોંધાયો છે તો સીટીસ્કેન સેન્ટરો પર લોકોએ લાઇન લગાડી છે અને રિપોર્ટ કઢાવવા લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.
ભરૂચ જિલ્લાની હાલત અત્યંત દયનીય બનતી જાય છે, આજે સવારથી જ શહેરના સીટીસ્કેન સેન્ટરોમાં લોકોની કતારો જોવા મળી હતી તો સરકારી- ખાનગી દવાખાના મોટા પ્રમાણમાં તાવ, શરદી, ઉધરસ, માથાના દુખાવો સહિતનાં દર્દીઓથી ઉભરાયા હતા ઘણી જગ્યાએ તો દર્દીઓમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થઈ જવાને કારણે ઓક્સિજન બોટલ સાથે દર્દીઓ દાકતરી સારવાર લેવા માટે દવાખાને પહોંચ્યા હતા તેવા દ્રશ્યો શહેરની ખાનગી હોસ્પિટલોની બહાર ઠેર-ઠેર જોવા મળ્યા હતા.
ભરૂચ જિલ્લાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે. કોરોનાનો કાળો કહેર વધુને વધુ ફેલાતો જાય છે તેવામાં સરકારી-ખાનગી હોસ્પિટલોમાં લોકોને સારવાર મળવી મુશ્કેલ બની જાય છે.
અહીં નોંધનિય છે કે ભરૂચમાં કોરોનાનાં કારણે યમરાજાએ પડાવ નાંખ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, દિવસે-દિવસે કોરોનાથી લોકોના મૃત્યુ થતાં જાય છે તો બીજી તરફ કોરોના સંક્રમિતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે તેમ છતાં સરકારી સિવિલ હોસ્પિટલમાં સુવ્યવસ્થા કે લોકોની સુખાકારી માટે સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી ? ભરૂચમાં કોરોના અત્યંત બેકાબૂ બની ગયો છે તો પણ જાડી ચામડીના સત્તાધીશો રેમડીસીવીર ઇન્જેકશન હોય કે RTPCR લેબ હોય તમામ સગવડ આપવામાં વામણું પુરવાર થયું છે.