ભરૂચ જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ મેદાનનો જિલ્લા જેલ પ્રશાસને કબ્જો મેળવવાના પ્રયત્નો કરતા અહીથી પસાર થતા ચારથી વધુ સોસાયટીના રહેવાસીઓને અગવડતા પડતા સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરે પહોંચ્યો હતો. આ વિસ્તારમાં નૂરાની સોસાયટી, હબીબ પાર્ક, સાબેના પાર્ક, બીજલી નગરનો સમાવેશ થાય છે. આ મેદાનમાં જિલ્લા જેલ અધિકારી દ્વારા જમીનનો કબજો મેળવવાના પ્રયત્નો હાથ ધરાતા આ વિસ્તારમાં વસવાટ કરતા ચાર સોસાયટીના રહેવાસીઓ સહિતના લોકોના ટોળા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આ વિવાદિત જમીનનાં મામલાને સુલજાવાનો પ્રયત્ન કર્યો હતો.
આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભરૂચ નગર યોજના – 3 ના અંતિમ ખંડ 94-95 સિટી સર્વે નંબર 152-B ની જમીનમાં જિલ્લા જેલ વિભાગે પોતાનું બોર્ડ લગાવી જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી એક વખત આ વિસ્તારમાં વિવાદ ઉભો થયો છે. જેલ પ્રશાસનની આ હરકતથી આ વિસ્તારની ચાર સોસાયટીના રહેવાસીઓનો રસ્તો બંધ થવાથી આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેકટર સમક્ષ પોતાની રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર આ અગાઉ પણ પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2013 માં “માઉન્ટેડ અશ્વદળ પોલીસ પરેડ” મેદાન જાહેર કરાયું હતું. જયાં પોતાનું બોર્ડ લગાવી જમીન ઉપર કબજો મેળવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે સમયમાં પણ અહીંના રહેવાસીઓનો વિરોધ વંટોળ ફરી વળતા બૌડા દ્વારા આ મેદાનનો ઉપયોગ અન્ય પ્રશાસનને કરવાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જેલ વિભાગ દ્વારા 2020 આ જમીનનો કબજો મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવતાં કલેકટર સમક્ષ આ વિસ્તારના લોકોએ માંગણી કરતા બૌડા દ્વારા લેખિત આદેશ આપી તા. 14/10/2020 ના રોજ આ જમીન બૌડાની માલિકીની છે તેમ જણાવ્યું હતું, તેમ છતાં ફરી એક વખત જેલ વિભાગ દ્વારા જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયત્ન કરતા રસ્તો બંધ કરવામાં આવતા આ જમીનનો વિવાદ વકર્યો છે. આ વિસ્તારમાં ચારથી વધુ સોસાયટીનાં રહેવાસીઓએ કલેકટર સમક્ષ અનઅધિકૃત રીતે જેલ વિભાગ સામે સવાલો કર્યા છે અને આ મેદાનમાંથી તેમનો કબજો હટાવવા માંગણી કરી છે.
ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ વિવાદિત જમીનમાં જેલ વિભાગે જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી વિવાદ વકર્યો.
Advertisement