– કોરોનાનાં કપરા સમયમાં પરિવાર પણ સાથ ન આપે તેવા સમયમાં લોકોની મદદ કરતું સાંઇ ફૂડ ઝોન.
– કોરોનાગ્રસ્ત પરિવારોને વિનામુલ્યે બે ટાઈમ ભોજન આપતા ભરૂચનાં સાંઇ ફૂડ ઝોનના માલિક.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં અત્યંત વધારો થતો જાય છે. પોઝિટીવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થાય છે. ઘણા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે. ભરૂચમાં સાંઇ ફૂડ ઝોન અને કેટરર્સનાં માલિક અનિલભાઈ મહેતા દ્વારા શહેરનાં બે કી.મી.નાં વિસ્તારમાં વિનામુલ્યે કોરોના ગ્રસ્ત પરિવારોને ટિફિન પહોંચાડવાની સેવા અવિરત કરવામાં આવી રહી છે.
આ ટિફિન સેવાની કામગીરી વિષે અનિલભાઈ મહેતા જણાવે છે કે એક વખત તેઓ તેમની દુકાન પર હતા ત્યારે એક 8 વર્ષની પુત્રીએ તેમણે જણાવ્યુ કે મારા મમ્મીને કોરોના પોઝીટીવ છે તો ઘરમાં કોઈ રસોઈ બનાવનાર નથી, આ નાની પુત્રીની વાત સાંભળીને તેઓએ ભરૂચનાં કોરોનાગ્રસ્ત લોકોને નિયમિત બે ટાઈમ જમવાનું પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. તેઓ નિયમિત સવારે અને સાંજે કોરોનાગ્રસ્ત પરિવારને વિનામુલ્યે ટિફિન પહોંચાડે છે. તેમની આ વિનામુલ્ય ભોજનની સેવામાં હાલમાં તેઓ 8 પરિવારનાં કુલ 22 વ્યક્તિઓને સવાર-સાંજ ભોજન આપી રહ્યા છે.
તેમના ભોજનમાં ચાર રોટલી, શાક, કઠોળ, દાળ-ભાત વગેરે પૌષ્ટિક આહાર આપે છે. આ સમગ્ર વાનગી તેઓ નિયમિત ગરમ-ગરમ બનાવી ડિસ્પોઝેબલ કન્ટેનરમાં પેક કરે છે અને ત્યારબાદ સમયસર કોરોનાગ્રસ્ત પરિવારોને વિનામુલ્યે માત્ર સેવાના ઉદ્દેશથી પહોંચાડે છે.
આ ટિફિન સેવાની કામગીરીથી અનિલભાઈએ જીવંત માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું છે. ભરૂચમાં છેલ્લા લાંબા સમયથી કોરોનાનાં કેસ વધતાં જાય છે ત્યારે અમુક પરિવારોની મહિલાઓ કોરોના પોઝીટીવ હોય છે તો તેમને ભોજનની અગવડતા ન પડે અને ઘણા પરિવારમાં તો તમામ સભ્યો કોરોના પોઝીટીવ હોય તો ઘરની બહાર પણ નીકળી શકતા નથી આથી સેવાભાવી એવા સાંઇ ફૂડ ઝોન અને કેટરર્સનાં અનિલભાઈ કોરોનાગ્રસ્ત પરિવારોને બે ટાઈમનું ભોજન આપી અવિરત સેવાની જયોત પ્રસરાવે છે તેઓ ઘણા વર્ષોથી કામધેનુ ગૌ રક્ષા સમિતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.