બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાનું ફેસબુક એકાઉન્ટ કોઈ તત્વોએ ફેક બનાવી તેઓના સમર્થકો પાસેથી રૂપિયાની માંગણીઓ કરવામાં આવતા હોવાનો મામલો સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે.
હાલ જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાએ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપવાની તજવીજ હાથધરી છે, મહત્વનું છે કે સાયબર ક્રાઈમ ગઠિયા ભરૂચ જિલ્લામાં વધુ પ્રમાણમાં સક્રિય થયા હોય તેમ ચર્ચાઇ રહ્યું છે, કારણ કે અવારનવાર આ પ્રકારે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણીઓ કરવી અથવા તો મોબાઈલ ફોન હેક કરવા જેવા બનાવોમાં છેલ્લા ઘણા સમયથી વધારો જોવા મળી રહ્યો છે.
કેટલાય બનાવોમાં તો વોટસએપ કોલ કરી યુવતીઓ યુવકો સામે નગ્ન થઇ જતી હોય છે અને ત્યારબાદ સ્ક્રીન રેકોર્ડિંગ કરી સામેવાળી વ્યક્તિને પણ પોતાના પ્રાઇવેટ અંગો બતાડવાનું કહી બાદમાં તે વીડિયો રેકોર્ડિંગ કરી યુવાનોને બ્લેકમેઇલ કરવા સાથે રૂપિયા પણ માંગવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં એક બાદ એક આ પ્રકારે હવે નામાંકિત વ્યક્તિઓ સાથે વધતા જતા બનાવો અને સાયબર ક્રાઈમને અંજામ આપતા ગઠિયાઓની કરતૂતો સામે સાયબર ક્રાઈમ વિભાગ લાલ આંખ કરી આવા તત્વોને કાયદાના પાઠ ભણાવે તે જરૂરી જણાઈ રહ્યું છે.