ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ ફેલાવનાર તત્વોની ભરૂચ જીલ્લા પોલીસે અટકાયત કરી છે. ભરૂચ જીલ્લામાં લોકડાઉનથી માંડીને હાલ ચાલી રહેલા સમયગાળામાં તેમજ રાત્રિ કર્ફયુ જાહેર થતાં લોકોને કોરોનાનાં સરકારી નિયમોનું પાલન કરવા, સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને જાહેરમાં લોકોને એકઠા ન થવા પર પ્રતિબંધ હોય, તેવામાં સરકારી ગાઈડલાઇન અનુસાર સંક્રમણ અટકાવવા માટે મંદિર, મસ્જિદનાં સંચાલકોને ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મંદિર, મસ્જિદમાં પુજા અર્ચન અર્થે ભેગા નહીં થવું અને પોતાના ઘરે રહીને જ તમામ ધાર્મિક કાર્યો કરવા અનુરોધ કર્યો છે. તો ભરૂચ જીલ્લામાં વેપારીઓએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખીને લોકડાઉન પાળી વહીવટી તંત્રને સાથ-સહકાર આપેલ છે.
ભરૂચ શહેર જીલ્લામાં વધી રહેલ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઇન અને જાહેરનામાનું કડકપણે પાલન કરવા માટે જીલ્લા પોલીસ દ્વારા જાહેરનામાનું ભંગ કરતાં આસામીઓને દંડવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં IPC કલમ-188 મુજબ રાત્રિ કર્ફયુનો ભંગ કરનાર કુલ-63 લોકોને પોલીસે દંડ ફટકાર્યો છે. તેમજ માસ્ક ન પહેરનારાઓ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરનારાઓ 1566 વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવ્યો હતો અને જાહેરનામાનો ભંગ કરનારા 1629 લોકોને દંડ ફટકાર્યો હતો. તો માસ્ક ન પહેરનારા 3789 વ્યક્તિઓને રોકી મેમો આપી દંડ એકઠો કરાયો હતો. જેમાં કુલ રૂ.37,89,000 જેટલો દંડ વસૂલાયો છે. એમ.વી. એકટ મુજબ કલમ 207 મુજબ 633 વાહન ડિટેન કરવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકોને અપીલ કરાઇ છે કે ખોટી અફવાઓ ન ફેલાવે, અને નાગરિકો સ્વયં શિસ્તનું પાલન કરે, કોરોના સંક્રમણને રોકાવા માટે લોકો કામ સિવાય બહાર ન નીકળે, પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને 1524 જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું.