અંકલેશ્વરમાં વિવિધ ઘરોમાંથી ચોરેલી ચીજ વસ્તુઓ મળી ૮૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો.
અંકલેશ્વર શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી માલ સામાનની બજારમાં વેચવા માટે નીકળેલ દાહોદના ત્રણ તસ્કરોને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જી.આઈ.ડી.સી વિસ્તારમાંથી ઝડપી પાડી તેમની પાસેથી ૮૭,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીની બનતી ઘટનાઓના પગલે તસ્કરોને ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિવિધ વિસ્તારોમાં સઘન વોચ ગોઠવી હતી. જેના ભાગરૂપે બાતમીના આધારે ઘરફોડ ચોરી કરતા મૂળ દાહોદના અને હાલમાં અંકલેશ્વરમાં રહેતા મહેશ રમશું ભાઈ બારિયા, સુરેશ બકુલ ભાઈ બારિયા અને રાજુ રમણ હઠિલાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી ઈ.એસ.આઈ હોસ્પિટલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજુ હઠીલા ડીલક્સ મોટર સાયકલ પર તેના બે સાથીદારો મહેશ અને રમેશ સાથે ચોરી કરેલી ચીજ વસ્તુઓને વેચવા માટે માર્કેટમાં નીકળ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી ચાંદીના સિક્કા, ધાતુની ચમચી, ઝાંઝર, ઝાંઝરી, મોબાઈલ ફોન, ઝ્વેલરી, એલ.ઈ.ડી. ટીવી, ડીસ ટીવી, મોટરસાયકલ મળી કુલ ૮૭,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.