બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ વિસ્તારમા રોટરી કલબની પાછળના ભાગે આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં ગત સાંજના સમયે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના વિપુલ માત્રમાં જથ્થાને ઝડપી પાડી ત્રણ જેટલા બુટલેગરોની ધરપકડ કરી છે.
મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો અને દેશી વિદેશી દારૂનો વ્યવસાય કરતો હનીફ ઉર્ફે અનનું ઇમરાનશાહ દીવાન, નવાબ ઇમરાન શાહ દીવાન અને અજય ભીખાભાઈ વસાવા નામના બુટલેગરની વિજિલન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સાથે આ મામલે અન્ય પાંચ જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વિજિલન્સના દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 6181 બોટલો તેમજ દેશી દારૂ સહિત મળી કુલ 7,33,300નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, મહ્ત્વની બાબત છે કે મારવાડી ટેકરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ બુટલેગર દ્વારા બિન્દાસ અંદાજમાં દારૂનો વ્યવસાય ધમધમાવતા જોવા મળ્યો હતો, સ્થાનિક પોલીસ જાણીને પણ અજાણ હોય બુટલેગર ખુલ્લેઆમ લોકોને દારૂ પીરસ્તો હતો.
અત્રે નોંધનીય બાબત છે કે આખરે વિજિલન્સની ટીમે મારવાડી ટેકરા વિસ્તારમાં દરોડા પાડી સ્થાનિક એ ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાંચ સહિત ભરૂચ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે, જો આટલા મોટા પ્રમાણમાં દારૂનો વેચાણ સ્ટેશન રોડને અડીને કરવામાં આવતો હતો તો સ્થાનિક પોલીસ અત્યાર સુધી શું કરતી હતી તે બાબત પણ તપાસનો વિષય બની છે.