ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બની છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો દિવસ દરમિયાન ૨૦ ને પાર પહોંચી રહ્યો છે, ગઇકાલે સવારથી આજ સવાર સુધી કોવિડ સ્મશાનમાં ૩૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમક્રિયા કરવામાં આવી છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૭૦૦ થી વધુ લોકોને કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના ટપોટપ મોતથી હાહાકાર મચ્યો છે તો બીજી તરફ કોરોનાનાં પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.
કોવિડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબો ખુલતાની સાથે લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે, એક તરફ વધતા મોતના આંકડા અને બીજી તરફ વધતા કેસોએ તંત્રને પણ દોડતું મુક્યું છે, જિલ્લામાં વધતા કેસો સામે હવે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય સ્થળે હાલ્ફ લોકડાઉન જેવી સ્થિતિને લોકો સ્વંયંભૂ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં સર્જાયેલ વર્તમાન પરિસ્થિતિને આધીન વાત કરીએ તો લોકોએ કામ વગર બહાર ફરવું નહિ, માસ્ક અને સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરવો, ભીડભાડવાળી જગ્યાએ જવું નહિ, લોકોએ લક્ષણો જણાય તો તરત ટેસ્ટિંગ કરાવી લેવું, એકબીજાથી અંતર દાખવવું તેમજ સરકારી ગાઇડલાઈન અને સ્થાનિક તંત્રના સુચનોનું ચુસ્ત પાલન કરવું તે જ સમયની માંગ છે.