ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને લઇ સ્થિતી ખૂબ વિકટ બની રહી છે, જિલ્લામાં કોરોના પોઝીટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ કોવિડ સ્મશાન અને વિવિધ કબ્રસ્તાનોમાં કોરોના પ્રોટોકોલ આધીન અત્યાર સુધી 1000 થી વધુ લોકોના અંતિમક્રિયા અને દફનવિધિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં છેલ્લા ૧૦ દિવસમાં કોવિડ પ્રોટોકોલ આધીન 115 જેટલા મૃતદેહને અગ્નિદાહ અપાયા છે, અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલથી થતા અંતિમ સંસ્કારનો આંકડો ૬૨૫ પાર પહોંચ્યો છે જે બાબત ખૂબ ચિંતાજનક કહી શકાય તેમ છે, કોવિડ સ્મશાન ખાતે સવાર પડતા જ મૃતદેહની લાઇન લાગે છે તો તંત્રના ચોપડે કોવિડથી મોતનો આંકડો અત્યાર સુધી 33 પર જ બતાડવા આવ્યો છે.
મુસ્લિમ સમાજમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં ૧૦૦ જેટલા લોકોના મોત થતા તેઓની વિવિધ કબ્રસ્તાનમાં કોવિડ પ્રોટોકોલ આધીન દફનવિધિ કરવામાં આવી છે, જેમાં અત્યારસુધી મુસ્લિમ સમાજમાં 400 થી વધુ લોકોના મોતનું અનુમાન સામે આવ્યું છે.
આમ કોવિડ પ્રોટોકોલથી જિલ્લાના કબ્રસ્તાનમાં અને કોવિડ સ્મશાનમાં થતી અંતિમક્રિયા અને દફન વિધીના કુલ આંકડો ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં ૧૦૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે, તંત્ર ઓડિટના કારણે આંકડા છુપાવી રહ્યાની પણ ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે અને આ તમામ મોત પાછળ અન્ય કોઈ બીમારી દર્શાવી આંકડાઓ અપડેટ ન થતા હોવાની માહિતી પણ સામે આવી છે.