કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ સ્મશાન ખાતે સ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે, કોવિડ સ્મશાનમાં આવતા મૃતદેહ હવે વેટિંગમાં રહેતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ભરૂચમાં જોવા મળી રહ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે તૈયાર કરાયેલા કોવિડ સ્મશાનમાં ગત રાત્રી સુધી ૨૦ જેટલા તો આજે સવારથી બપોર સુધીમાં ૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ આપવામાં આવ્યો છે, ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલના આધારે અગ્નિદાહ આપવામાં ૬૦૦ થી વધુ મૃતદેહનો સમાવેશ થાય છે.
એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ સ્મશાનમાં મૃતકોના વેટિંગ જેવી સ્થિતી ભરૂચીઓ માટે ઘાતક સાબિત થઇ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરે છે,કોરોનાનાં દર્દીઓ માટે ઇન્જેક્શન, વેન્ટિલેટર જેવી બાબતો દર્દીઓનાં સગાવાળાઓ માટે પણ ચુનોતી સમાન બનતી જઈ રહી છે. જ્યાં રોજ લોકો આ વસ્તુઓ લેવા એક સ્થળેથી બીજા સ્થળે અથવા સોશિયલ મીડિયા મારફતે મદદનો હાથ લંબાવી વ્યવસ્થાઓ કરવા મજબૂર બન્યા છે.