એક તરફ કોરોના મહામારી વચ્ચે ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા નાઇટ કરફ્યુ મુકવામાં આવ્યું છે, શહેરનાં મુખ્ય માર્ગો અને સર્કલો પર પોલીસનાં કાફલા તૈનાત જોવા મળી રહ્યા છે તો બીજી તરફ તસ્કરો હવે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ કરફ્યુ વચ્ચે પણ ચોરીઓને અંજામ આપી રહ્યા છે.
ભરૂચ તાલુકાના દેત્રોલ ગામ ખાતે ગત રાત્રીના સમયે તસ્કરોએ એલ વિસ્તારમાં કાર લઇ પ્રવેશ કર્યો હતો સાથે જ 3 થી વધુ બકરાઓની ચોરી કરી પલાયન થઇ જતાં દેત્રોલ ગામમાં ભારે ખળભળાટ મચ્યો હતો, જોકે તસ્કરોની તમામ હરકત નજીકનાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જતાં આ મામલે પોલીસમાં જાણ કરવાની તજવીજ શરૂ કરાઇ હતી.
સમગ્ર ઘટના અંગે હાલ સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, મહત્વની બાબત છે કે ગ્રામ્ય વિસ્તારોમાં બકરા ચોરો રમજાન માસ અને બકરી ઇદ પહેલા સક્રિય થતા જોવા મળતા હોય છે તેવામાં હવે આ પ્રકારના ચોર તત્વો સામે પોલીસે લાલ આંખ કરવાની તાતી જરૂર જણાઈ રહી છે અને પેટ્રોલીંગ દરમિયાન જો કોઈ કાર અથવા વાહનોમાં આ પ્રકારે બકરા ભરી વહન થતા હોય તે બાબતે વાહન ચાલકોની કડકાઇથી પૂછપરછ કરવી જરૂરી જણાઈ આવે છે.