ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામે નર્સરીથી લઇને સ્નાતક સુધીના અભ્યાસ માટે વિદ્યાલય બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા દ્વારા ૧૯ એકર જમીનમાં વિદ્યાલય બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધારાસભ્ય દ્વારા સંચાલિત માનવસેવા ટ્રસ્ટના ઉપક્રમે તા.૧૧ મી એપ્રિલના રોજ વિદ્યાલયનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. મહાત્મા જ્યોતિબા ફુલેની ૧૯૪ મી જન્મજયંતિ તેમજ ધારાસભ્ય મહેશ વસાવાના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય દ્વારા તેમના માતા સરોજબેન વસાવાના નામે વાલિયા તાલુકાના ચંદેરીયા ગામે ૧૯ એકર જમીનમાં નર્સરીથી લઇને સ્નાતક સુધીના શિક્ષણ માટેના વિદ્યાલયનું આયોજન કરવામાં આવ્યુ છે. ધારાસભ્ય મહેશ વસાવાના માતા સરોજબેન વસાવાનું ૨૦૧૪ માં અવસાન થયુ હતું. તેમના નિવાસ સ્થાન નજીક તેમની દફનવિધિ કરવામાં આવી હતી. ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાના પુત્ર મહેશભાઇ વસાવા ગુજરાત વિધાનસભામાં ડેડીયાપાડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ પોતાના સ્વ.માતા સરોજબેનની યાદમાં તેમના નામ સાથે જોડાયેલ વિદ્યાલય બનાવવાનું આયોજન કરીને અનોખા માતૃપ્રેમનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ