ભરૂચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ શુગર ફેકટરીના કેટલાક સભાસદોએ અન્ય શુગર ફેકટરીઓ કરતા શેરડીનો ઓછો ભાવ અપાયો હોવાના આક્ષેપ સાથે શુગર ફેક્ટરીની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતની વિવિધ શુગર ફેકટરીઓએ શેરડીના ભાવો જાહેર કર્યા છે. જ્યારે આ બાબતે ગણેશ સુગર ફેકટરીના કેટલાક સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અન્ય શુગર ફેકટરીઓની સરખામણીએ ગણેશ શુગર દ્વારા ઓછો ભાવ જાહેર કરાયો છે. આ બાબતે આવા આક્ષેપ સાથે સભાસદોના એક જૂથે શુગર ફેક્ટરી પર હલ્લાબોલ કર્યો હતો, અને ઓછો ભાવ જાહેર કરવાનું કારણ પૂછ્યુ હતું. સભાસદોએ આક્ષેપ કર્યો હતો કે ગણેશ શુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. અન્ય શુગર ફેકટરીઓ કરતાં રૂ.૨૦૦ થી ૫૦૦ જેટલો ઓછો ભાવ ગણેશ શુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. વધુમાં જણાવાયા મુજબ જો ગણેશ શુગરના સંચાલકો દ્વારા ખેડૂત સભાસદોને યોગ્ય જવાબ નહીં અપાય તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગણેશ સુગર ફેકટરીના વહિવટ બાબતે વકરી રહેલા વિવાદને લઇને જિલ્લામાં સહકારી ક્ષેત્રે ચકચાર મચવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ