ભરૂચ નગરપાલીકાનાં વોર્ડ નંબર ૧૦ માં ફાટાતળાવથી લઈ ફુરજા સુધીનો ગત વર્ષે સવા ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટથી મંજુર થયેલ રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલતા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદની અગાવાનીમાં કોર્પોરેટર યુસુફ મલેક,સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના પાલીકા વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસર સંજય સોનીને રજુઆત કરી હતી અને રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉચ્ચારી હતી.
મહત્વની બાબત છે કે આ વોર્ડમાં આવેલ ફાટાતળાવથી ફુરજા ચાર રસ્તા સુધીનો માર્ગ ચોમાસાની ઋતુમાં દયનિય હાલતમાં જોવા મળે છે અને જો દોઢ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોય તો આગામી ચોમાસાની ઋતુમાં રસ્તાની હાલત જે સે થે જેવી થઇ જાય તેવી બાબતોને પણ નકારી શકાતી નથી, ત્યારે કરોડોની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી જણાય છે.
વધુમાં વિપક્ષના સભ્યોએ આક્ષેપો કર્યા હતા કે ૩૭ કલાકના વિપક્ષના ધરણા બાદ મંજુર થયેલા આ માર્ગ પર કેમ ધીમી ગતિએ થઇ રહી છે અને આગામી તહેવારો પહેલા રસ્તાની અને ડ્રેનેજની કામગીરી તાત્કાલિક પુરી કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહી આવે તો જે આંદોલન રસ્તાને મંજુર કરવા માટે કર્યું હતું તેનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ વિપક્ષના નેતા સમસાદ અલીએ જણાવ્યુ હતુ.