ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતા હોવાના અનેક અહેવાલો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે, તેમ છતાં નશાના કારોબારને ધમધમાવતા તત્વો જાણે કે સુધારવા ન માંગતા હોય તે પ્રકારની સ્થિતીનું સર્જન ભરૂચ જિલ્લામા જોવા મળી રહ્યું છે, જ્યાં દારૂ બંધી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ સ્થળોના વાયરલ વીડિયોએ પોલીસ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે, ભરૂચ શહેરનાં ઠાકોર રેસ્ટોરન્ટની પાછળના ભાગે બિંદાસ અંદાજમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું સામે આવ્યું તો બીજી તરફ દહેજના લખીગામ ખાતે ચા ની દુકાને વિદેશી દારૂના વેચાણ અંગેના વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે, જ્યાં એક મહિલા બિંદાસ અંદાજમાં વિદેશી દારૂ મંગાવીને પીરસી રહી હોય તેમ નજરે પડ્યું છે.
હાલ તો અવારનવાર આ પ્રકારના નશાના વેપલાના કારોબારના વાયરલ થતા વીડિયો તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યું છે, સાથે જ બિંદાસ અંદાજમાં વિદેશી શરાબનું વેચાણ કરતા આવા તત્વોને કોણા આશીર્વાદ હશે તે બાબત પણ ટોક ઓફ ધી ટાઉન બની છે, જો એક ચા ની દુકાને નશાનો વેપલો જાહેરમાં થતો હોય તે જ બાબત ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે જિલ્લામાં દારૂ બંધી માત્ર કાગળ ઉપર જ બતાડવા પૂરતી સીમિત રહી છે.
લાખો કરોડો રૂપિયાનો નશાના વેપલા પાછળ મોટા માથાના બુટલેગરો સક્રિય હોય તે બાબતો નકારી શકાતી નથી આ પ્રકારના વ્યવસાય કરતા તત્વો અમુક વાર તો બિંદાસ બનીને બોલતા હોય છે કે ઉપરથી લઇ નીચે સુધી હપ્તા પહોંચતા હોય છે ત્યારબાદ આ વ્યવસાયને તેઓ ખુલ્લેઆમ ચલાવતા હોય છે એટલે કે ધંધાની બાબતમાં ઇન ડાયરેક્ટ પરમિશન લઇ બખોફ બની બુટલેગરી તત્વો પોતાના નશાના વેપલા ધમધમાવતા હોવાની ચર્ચાઓ સામે આવી છે.
હાલ તો વાયરલ વીડિયો અને ખુલ્લેઆમ ધમધમતા આ પ્રકારના નશાના કારોબારને ભરૂચ જિલ્લા પોલીસ વડાની જાંબાઝ સેના આવા દુષણ ફેલાવતા તત્વોને જેલના સળિયા ગણતા કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે, સાથે જ આ પ્રકારે ખુલ્લેઆમ બુટલેગરોને વ્યવસાય કરવા પ્રેરિત કરનાર તત્વોની પણ ઝીણવટભરી તપાસ કરે તે બાબતો પણ લોકોમાં ચર્ચાઇ રહી છે.