ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર એક તરફ જોવા મળી રહ્યો છે, કોરોનાની બીજી લહેરમાં પોઝીટિવ કેસોનો આંકડો ૨૦૦ ને પાર પહોંચ્યો છે, ત્યારે કોવિડ સ્મશાનમાં પણ કોવિડ પ્રોટોકોલથી થતી અંતિમ ક્રિયાઓમાં મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચેની નર્મદા નદીનાં કાંઠે તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનનાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ થકી અગ્નિદાહ આપવામાં આવ્યા છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૫૨૨ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ થકી અંતિમક્રિયા કરવામાં આવી છે.
એક તરફ જ્યાં શહેર જિલ્લામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં આવતા જતા મૃતદેહો લોકોમાં તેમજ તંત્રમાં ચિંતાનો માહોલ ઉતપન્ન કરી રહી છે, વધતા જતા સંક્રમણ અને રોજ ડબલ ડિજીટમાં આવતા પોઝીટિવ કેસોનાં કારણે લોકોએ પણ હવે સ્વયંમ કાળજી દાખવવી ખૂબ જરૂરી બની છે.
ભરૂચમાં વધતા કોરોનાનાં સંક્રમણની ચેનને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર અને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા જેવી બાબતો ઉપર લોકોએ જાગૃતતા દર્શાવવી ખૂબ જરૂરી બની છે, સાથે જ જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોરોનાનું ચેકઅપ કરાવવા જેવી બાબતો જ વધતા સંક્રમણમાંથી મુક્તિ અપાવી શકે તેમ વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે.