ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે શ્વાનના હુમલામાં એક બાળકે જીવ ગુમાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી તેવામાં વધુ એક ઘટના જિલ્લામાંથી સામે આવી છે, આમોદ નગરનાં મચ્છી માર્કેટ વિસ્તારમાં શ્વાનનો આંતક જોવા મળ્યો છે, જેમાં એક સાથે ચાર બાળકોને શ્વાને હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગરનાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ગતરોજ સાંજનાં સુમારે ચાર બાળકો પર એક શ્વાને હૂમલો કરતા લોકોમાં ભયનાં માહોલ સાથે ભારે ફફડાત વ્યાપી જવા પામ્યો હતો, ઘટનાની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ જવા પામ્યા હતા, અને બાળકોને આમોદ રેફરલ હોસ્પીટલ ખાતે લઈ જઈ પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.
મહ્ત્વની બાબત છે કે જિલ્લામાં શ્વાન કરડવાના રોજના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર મહિને અનેક લોકો શ્વાન કરડવાથી સારવાર લઇ સાજા થતા હોય છે તેવામાં રખડતા શ્વાનના આતંક સામે આ પ્રકારની ગંભીર બનતી સ્થિતિ સામે તંત્રએ પણ કંઇક યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.