ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર પર્વ શબેબરાતની મુસ્લિમ સમાજના લોકો દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરાઇ હતી. શબેબરાત પ્રસંગે ભરૂચ શહેર તેમજ પાલેજ નગરના વિવિધ વિસ્તારોમાં તેમજ પાલેજ પંથકના ગામોમાં આવેલી મુસ્લિમ સંપ્રદાયની મસ્જિદો તથા દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી.
હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની માર્ગદર્શિકાને અનુસરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે પર્વની ઉજવણી કરાઇ હતી. શબેબરાત પર્વ મુખ્યત્વે આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા મર્હુમો માટે વિશેષ મહત્વ ધરાવતું પર્વ હોય મુસ્લિમ બિરાદરો દ્વારા આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા પોતાના સ્વજનોને ખીરાજેઅકીદત પેશ કરી ખાસ યાદ કરવામાં આવ્યા હતા.
વિશ્વમાં અમન અને શાંતિ કાયમ રહે તેમજ વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી દૂર થાય એ માટે પણ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, સેગવા, માંચ, જંગાર, વલણ, માંકણ, મેસરાડ, કંબોલી તેમજ ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ શબેબરાત પર્વની ઉજવણી કરાઇ હતી.
યાકુબ પટેલ : પાલેજ