ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, જિલ્લામાં રોજના કોરોનાનાં કેસોએ ગતિ પકડતા તંત્રની સાથે સાથે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચુક્યા છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 500 ને પાર પહોંચ્યો છે, કોવિડ સ્મશાનમાં ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમ સંસ્કાર થયા છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ ક્રિયા થઇ છે, તે બાબત પણ ચિંતા સમાન બની છે.
કોવિડ સ્મશાનમાં જાણવા મળ્યા મુજબ રોજનાં 2 થી 3 કોવિડ પ્રોટોકોલથી અંતિમ ક્રિયા થઇ રહી છે, સાથે જ તંત્રમાં અંતિમ ક્રિયા મામલે આંકડા અપડેટ કેમ નથી થતા તે બાબત પણ અહીંયા નોંધનીય બની છે, સરકારી અને ખાનગી લેબમાં થતા ટેસ્ટમાં કોરોનાની સ્થિતી ચિંતાજનક છે.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો ૩૯૬૯ લોકો કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે, જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને મહાત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે.
કોરોના મામલે હજુ પણ લોકો બેદરકારી દાખવતા હોય તેમ જોકે મળી રહ્યું છે, ભરૂચમાં વહીવટી તંત્ર પણ બગડતી સ્થિતિ સામે લોકોને સામાજીક અંતર, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે.