ભરૂચ જિલ્લામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮-૦૩-૨૦૨૧ થી તા.૨૯-૦૩-૨૦૨૧ નાં રોજ હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમ્યાન લોકો એકબીજા પર અબિલ, ગુલાલ નાંખી આ પર્વ ઉત્સાહથી ઉજવે છે. હોળી-દહનનાં કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજીકોએ તકેદારી રાખવાની રહેશે, હોળીના દિવસે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. વધુમાં, ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. ધૂળેટીના દિવસે અમુક લોકો દ્વારા ઝટપટ પાવડર જેવા કેમીકલ્સનો છૂટથી ઉપયોગ કરે છે. ઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમીકલ્સ તથા અન્ય કેમીકલ્સથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે તેમજ જાહેર રસ્તાઓ પર ધૂળેટીનો પર્વ ઉજવવાથી ટ્રાફીકને પણ અડચણ થાય છે. જેથી ધૂળેટીનાં દિવસે ઝટપટ પાવડર જેવા શરીરને નુકશાન કરતાં કેમીકલ્સનો ઉપયોગ કરવા પર તથા જાહેર રસ્તાઓ પર ધૂળેટી રમવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે. આ ઉપરાંત કેટલાંક લોકો ઉપર બળજબરીપૂર્વક રંગ તથા કીચડ છાંટવામાં આવે છે.
અહીં નોંધનીય છે કે વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એક વખત માથું ઊંચકયુ છે ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિતનાં રાજયોમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે આથી આ વર્ષે હોળીનાં તહેવારોમાં ગુજરાત સરકારની ગાઈડલાઇન અનુસાર ભીડભાડ ભેગી ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે આથી આ વર્ષે ગુજરાતનાં વિવિધ જીલ્લામાં હોળીની ઉજવણી સાદગી પૂર્વક કરવાનું હુકમનામુ સ્વીકારવું આવશ્યક છે.