– ભૂતકાળમાં થયેલ હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં એક અન્ય દલિતને દુકાનમાં ઘુસી જઇ માર મરાયો.
તાજેતરમાં ભોલાવનાં ગ્રામ્ય વિસ્તારમાં અનુ.જાતિનાં એક વકીલની ખુલ્લેઆમ હત્યાનાં બનાવની શાહી સુકાઈ નથી ત્યાં તો ભોલાવ વિસ્તારમાં આવેલ આશ્રય સોસાયટીમાં દુકાનમાં ઘુસી જઈ અનુ.જાતિનાં ઈસમ પર ઉચ્ચ જાતિનાં ઇસમો દ્વારા માર મારતા વ્યાજખોરી સહિત એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.
આશ્રય સોસાયટીમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા જગદીશભાઇ મકવાણાએ ઝાડેશ્વર સ્તુતિ પાર્ક ખાતે રહેતા મૂળરાજસિંહ રણા પાસેથી રૂ.10,00,000/- (દસ લાખ) 5 % નાં વ્યાજ દરે લીધા હોય અને તે વ્યાજ બાબતે ગતરોજ મૂળરાજસિંહ રણાએ જગદીશભાઇ મકવાણાની દુકાનમાં ઘુસી આવી જગદીશભાઈ અને તેમના પુત્રને માર મારી જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી ઉચ્ચારતા જગદીશભાઇ મકવાણાએ ભરૂચ ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હોય પોલીસે એટ્રોસીટી સહિત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજયમાં ગૃહમંત્રી ભરૂચ જીલ્લાનાં પ્રભારી હોય તેવા સમયે ભરૂચમાં અનુ.જાતિનાં લોકો પર અત્યાચારનાં કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભરૂચમાં અગાઉ અનુ.જાતિનાં વ્યક્તિની હત્યા પ્રકરણમાં પણ ફરિયાદ અપાય બાદ ઢીલી પોલીસ કામગીરી ઉજાગર થવા પામેલ અને હત્યા બાદ સફાળી જાગેલી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો હવે આ પ્રકરણમાં પણ પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી પીડિત પરિવારની માંગ સાથે ફરી વખત હુમલાની ભીતિ સાથે પરિવાર ફફડી રહ્યો છે. જયારે રાજયનાં ગૃહમંત્રી ભરૂચ જિલ્લાનાં પ્રભારી હોય જેથી જિલ્લા પોલીસની વિશેષ જવાબદારી બની જાય છે કે આવા કિસ્સાઓ વારંવાર નાં બને અને ભરૂચનાં દલિતો જીલ્લામાં પોતાને સુરક્ષિત અનુભવે તેવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પોલીસની બને છે.
વિશેષ : ભરૂચમાં વ્યાજખોરીનું દૂષણ ડામવું ખૂબ જરૂરી.
તાજેતરમાં તા.17/10/2020 થી રાજયનાં પોલીસ મહાનિર્દેશક શ્રી દ્વારા રાજયમાં ગેરકાયદેસર રીતે ધાક-ધમકી આપી બળજબરી પૂર્વક વ્યાજ વસુલતા લોકોને કારણે આત્મહત્યા સહિતનાં બનાવો બનતા પરિપત્ર જાહેર કરી The Gujarat Money-Lenders Act-20 હેઠળ વ્યાજખોરી પર નિયંત્રણ અને નિયમન માટે સખત સૂચના આપવામાં આવેલ છે ત્યારે ભરૂચ પોલીસ રાજયનાં મહાનિર્દેશકનાં આદેશ મુજબ કેવા પગલાં ભારે તે જોવું રહ્યું ? મહાનિર્દેશકનાં આદેશ અનુસાર તાત્કાલિક ધરપકડ સહિતની જોગવાઈનું કેટલું પાલન કરે છે અને આ સિવાય પણ ભરૂચમાં વ્યાજખોરી કરતાં તત્વો સામે કાર્યવાહી હાથ ધરે તો ભરૂચમાં કોઈ જાનહાનિ કે આત્મહત્યા કરવા ન પ્રેરાય તે ઇચ્છનીય છે. ભરૂચમાં ચાલતા 138 નાં કેસોમાં 95 % ટકા કેસ વ્યાજખોરો દ્વારા કરાયેલ હોય છે તો આ દિશામાં પણ પોલીસ તપાસ કરે તો ભરૂચમાં વ્યાજખોરીનું મોટું પ્રકરણ બહાર આવી શકે તેમ છે.