ભરૂચ જીલ્લામાં આર્થિક રીતે પછાત લોકોના સંતાનોના લગ્ન કરાવવા માટે ધી મુસ્લિમ મેરેજ બ્યૂરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને વસ્તી ખંડાલી ગામનું ફાતિમા વેલ્ફેર ટ્રસ્ટ વાગરા તાલુકામાં સેવા કરવા અગ્રેસર છે. દર વર્ષે ગરીબ પરિવારના યુવક-યુવતીઓના સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સમાજમાં અલગ જ મેસેજ આપવા અલગ પ્રકારનાં સમૂહ લગ્નનું આયોજન વાગરા ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. રૂપિયા અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા…જે ધર્મ-અધર્મથી ઈતર માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. માનવતા સામે ધર્મ દ્વિતીય શ્રેણીમાં આવી જાય છે.
જીવનનો બીજો તબક્કો એટ્લે ઘર સંસાર… ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવા વાગરા ખાતે સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 12 હિન્દુ અને 18 મુસ્લિમ યુગલો મળી કુલ 30 યુવક-યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવમાં તમામ યુગલોને જીવન જરૂરી ભેટ સોગાદો આપવામાં આવી હતી.
આ સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવમાં હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી હતી આ લગ્નોત્સવમાં વસ્તી ખંડાલી ગામના આગેવાન ઇસ્માઇલભાઈ હાફેજી અને ધી મુસ્લિમ મેરેજ બ્યૂરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો, આમંત્રિતો તેમજ યુવક-યુવતીઓનાં પરિવારજનોએ ઉપસ્થિત રહ્યા હતા.