ભરૂચનાં ઝાડેશ્વર નજીક આવેલ સરદાર બ્રિજ ખાતે ગત રાત્રીનાં સમયે કન્ટેનરમાં આગ લાગવાની ઘટના બની હતી, આસામના ગૌહાટીથી સુરત ઝાડુ બનવવા માટે વપરાતી સામગ્રી લઈને એક કન્ટેનર જઈ રહ્યું હતું. ટ્રક ચાલકનાં જણાવ્યા અનુસાર ગાડીનાં એન્જીનમાં કોઈ કારણસર સૉર્ટ સર્કિટ થવાના કારણે એન્જીનમાંથી આગ ભભૂકી ઉઠી હતી.
જોત જોતામાં આગ વધુ પ્રસરી હતી જેને પગલે કન્ટેનરની કેબીન બળી ગઈ હતી, ઘટના અંગેની જાણ ટ્રાફિક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ ભરૂચ નગરપાલિકાની ફાયર ફાઇટરની જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરાઈ હતી, નગર પાલીકાનાં ફાયર વિભાગ સાથે સાથે જી.એન.એફ.સી.ની ફાયરફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
રાત્રીનાં સમયે હાઉવે ઉપર બનેલ એકા એક ઘટનાનાં પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતીનું પણ સર્જન થયું હતું, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ પણ પ્રકારની જાનહાની ન થતા ફાયર વિભાગ અને પોલીસનાં જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.