કોરોના મહામારીએ બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે તેમ છતાં આજદિન સુધી આ મહામારીના કારણે વિશ્વનાં અનેક દેશોના લોકોની જીવન શૈલી બદલાઈ છે, ભારત દેશ અને ગુજરાતમાં પણ આ મહામારી સામે વેક્સિનેશન પૂર જોશમાં સરકારે શરૂ કર્યું છે, પંરતુ રાજ્યના મહાનગરોમાં જે પ્રકારે કેસોમાં વધારો થયા બાદ તંત્ર દ્વારા કેટલાક મહત્વનાં નિર્ણયો લઈ વર્ષનાં અંતે આપવામાં આવેલ છુટછાટ ઉપર ફરી ધીમેધીમે નિયંત્રણ શરૂ કરી દીધા છે.
ભરૂચ જિલ્લામાં પણ કોરોના મહામારીમાં અત્યાર સુધી ૩૫૦૦ થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે અને મોટા ભાગે લોકો સાજા પણ થયા છે, પંરતુ કોરોનાની બીજી ઇનિંગમાં જિલ્લામાં ફરી પોઝીટીવ કેસોનો આંકડો સદીને પાર જતા તંત્ર હરકતમાં આવ્યું છે અને વેકશીનેશન વધારવા સહિત માસ્ક અને સામાજીક અંતર જેવી બાબતોનું ચુસ્ત પાલન કઈ રીતે થઇ શકે તે પ્રકારની રણીનીતિઓ ઘડવામાં આવી રહી છે.
આ બધા વચ્ચે ટીવી અને છાપાઓમાં આવતા કોરોના મામલા અંગેના અવનવા અપડેટ લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, આ વચ્ચે શહેરમાં ભેગા થતા એકથી વધુ લોકોના જમાવડા વાળા સર્કલો, સોસાયટી વિસ્તારના બાંકડાઓ અને સોશિયલ મીડિયા જગતમાં અફવા બજાર પણ ગરમાયુ છે જેમાં અવનવા અફવા બજારના પડીકા રોજબરોજ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ફરી લોકડાઉન આવશે, રાત્રી કરફ્યુ તો આવશે જ, નાના શહેરોમાં હવે શાળાઓ ફરી બંધ થશે, નાના શહેરોમાં સાંજ સુધી જ છૂટછાટ આપવામાં આવશે, જેવી તમામ બાબતો અફવા સ્વરૂપે ફરી એક વાર લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતા લોકો પણ મામલે હવે ચાતક નજરે સરકારના કોરોના મામલે લેવાતા નિર્ણયો ઉપર નજર ગોઠવી બેઠા હોય તેમ લાગી રહ્યું છે.