કોરોના મહામારીનાં લોકડાઉન બાદથી રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, લોકડાઉનથી લઈ અત્યાર સુધી ઓટો રીક્ષા ચાલકોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ કે યોજનાનો લાભ આપવામાં ન આવતા આખરે રીક્ષા ચાલક હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા ચાલકોને સરકારી મદદ કે યોજનાનો લાભ આપવા બાબતની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે, રીક્ષા એસોસિએશનનાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માર્ચ ૨૦૨૦ બરાબર એક વર્ષ પહેલાં કોરોના મહામારીનાં સમય એ સરકારે રીક્ષા ચાલકોને રોજના ૨૧૫ રૂપિયા ચૂકવવાનું એલાન કરતા રીક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રીક્ષા ચાલકોએ સરકારની આ રાહત મેળવવા માટે ૩ હજાર રીક્ષા ચાલકોએ ફોર્મ ભરી આર.ટી.ઓ કચેરીમાં આપવામાં આવ્યા હતા, જો કે રીક્ષા ચાલકોને નાણાંકીય મદદના સ્થાને તેમણે ભરેલા ફૉર્મ જ પરત કરી દીધા હતા, જે મામલે હવે ફરી રીક્ષા ચાલકોએ તંત્રમાં રજુઆત કરી તેઓને આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ સાથે રીક્ષા ચાલકોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે જ આવેદનપત્રમાં ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે કે જો આગામી તારીખ ૨૨.૦૩.૨૦૨૧ સુધી રીક્ષા ચાલકોને કોઈ પણ યોજના કે લાભ નહિ આપવામાં આવે તો આંદોલન કરી વહેલી સવારથી જ ચક્કાજામ કરવામા આવશે તેમ જણાવવામાં આવ્યું છે.