હાલ રાજ્યમાં કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું છે, રોજના નવા કેસોએ જ્યાં સરકાર અને લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જાણે કે ફરી કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, તેવામાં તંત્ર રોજબરોજ લોકોને કાળજી રાખવા સાથે માસ્ક અને સામાજીક અંતર જેવી બાબતોનું પાલન કરવા કહેતું હોય છે.
પરંતુ આ તમામ નિયમો જાણે કે સામાન્ય જનતા માટે હોય તેમ તંત્રની કામગીરી પરથી લાગી રહ્યું છે, જે પોલીસ લોકડાઉન બાદથી લોકોને નિયમો પાડવાનાં નામે માસ્ક સહિતની બાબતોમાં 1 હજાર લેખે કરોડો રૂપિયાનું દંડ ઉઘરાવતી હતી તે જ પોલીસ હવે નેતાઓની સામે લાચારીમાં હોય તેમ જોવા મળી રહ્યું છે.
આજે ભરૂચ નગરપાલિકામાં કોરોના ગાઇડલાઈનનાં ખુદ પોલીસ અધિકારીઓ અને એસ.ડી એમ જેવા અધિકારીઓની હાજરીમાં ધજાગરા ઉડયા હતા. જે ભરૂચમાં અત્યાર સુધી કોરોના કેસોમાં હજારો લોકો સારવાર લઈ આવ્યા છે તેમજ 100 જેટલા કેસો એક્ટિવ છે તેવા ભરૂચમાં નેતાઓને ભીડ ભેગી કરવાં અને નિયમોને નેવે મુકવાની જાણે કે પરવાનગી મળી ગઈ હોય તેવા દ્રશ્યોનું નિર્માણ આજે ભરૂચ નગર પાલિકાનાં સભાખંડમાં જોવા મળ્યુ હતું. જ્યાં પ્રમુખને ભેટી પડવા માટે જાણે કે લોકોએ માસ્ક અને સામાજિક અંતર ન જાળવી તમામ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા તો ત્યાં જ સ્થાનિક પોલીસ નેતાઓનાં આ વલણ સામે મુક પ્રેક્ષકોની જેમ જોવા મળતા અનેક ચર્ચાઓ પોલીસની કામગીરી સામે જોવા મળી રહી છે.