ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાયનાં લોકો દ્વારા શબે મેરાજ પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી. નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવી હતી.
શબે મેરાજ પ્રસંગે નગરની મક્કા મસ્જિદ, નુરે મોહમ્મદી મસ્જિદ, ગૌસિયા મસ્જિદ, ફૈજાને મદીના મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં વિશેષ નમાઝ પણ અદા કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નગરની મક્કા મસ્જિદમાં મસ્જિદ સંચાલકો દ્વારા શબે મેરાજ પ્રસંગે નમાજ તેમજ જિક્ર શરીફનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા.
મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મહમદ અલી અશરફી સાહેબે હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર પર ચોટદાર બયાન કર્યું હતું અને હજરત મુહમ્મદ પયગંબર સાહેબે બતાવેલા પથ પર જીવન વ્યતિત કરવા હાજર જનોને ખાસ અનુરોધ કર્યો હતો. બયાન બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી જેમાં દેશ અને દુનિયામાં અમન કાયમ રહે એ માટે પણ દુઆ ગુજારી હતી. સાંસરોદ, હલદરવા, વરેડિયા, સેગવા, માંચ, વલણ, ઇખર, માંકણ, મેસરાડ, કંબોલી, ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા શબે મેરાજ પર્વની ઉજવણી કરાઇ હોવાના અહેવાલ સાંપડયા છે.
યાકુબ પટેલ : પાલેજ