ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૪૨ જેટલા આઉટ સોસીંગનાં કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાથી પગાર ન મળતા આખરે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, સિવિલનાં કંપાઉન્ડમાં બેસી જઈ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવાયો છે.
કર્મચારીઓએ તેઓના કોન્ટ્રાકટરો સામે આક્ષેપો કર્યા હતા કે બીલ ચૂકવી દીધા હોવા છતાં કર્મચારીઓને પગાર આપવામાં આવતો નથી જેથી કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પગારનાં નાણાં ન આવતા કર્મચારીઓનાં પરિવાર સાથે રોજિંદા જીવન પર અસર પડી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં કર્મચારીઓએ ભેગા થઇ ભારે સૂત્રોચ્ચાર કરી તેઓની માંગણીઓનો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉચ્ચારી હતી, અને જ્યાં સુધી તેઓના પગારનાં નાણાં નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Advertisement