ભરૂચ શહેરનાં નગરપાલિકાની હદ વિસ્તારમાં રાહદારીઓ અને બહારગામથી આવતા લોકોને પીવાનાં પાણી માટે રાહત મળી રહે માટે ભરૂચ નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાનાં ખર્ચે ATM મશીનો મુકવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો તંત્રની નિષ્કાળજીનાં કારણે હાલ બંધ હાલતમાં હોવાથી લોકોમાં રોષ ઉભો થયો છે.
સામે ઉનાળે લાખોનાં ખર્ચે મુકવામાં આવેલ મશીનો બંધ રહેતા આખરે આજે ભરૂચનાં પશ્ચિમ વિસ્તારનાં અગ્રણી અબ્દુલ કામઠી તેમજ કોર્પોરેટર સલીમ અમદાવાદી સહિતનાં આગેવાનોએ ભરૂચ નગરપાલિકા ખાતે આવી પહોંચી ચીફ ઓફિસર સંજય સોનીને લેખીતમાં રજુઆત કરી બંધ પડેલા પાણીનાં ATM મશીનોને તાત્કાલિક ચાલુ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.
સ્થાનિક આગેવાનોની રજુઆતને ધ્યાન પર લઇ ચીફ ઓફિસર દ્વારા તેઓએ મામલે વહેલી તકે નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવતા આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો, મહ્ત્વનું છે કે પાલિકા દ્વારા શહેરમાં આ પ્રકારનાં અનેક ATM મશીનો મૂકી પ્રજાનાં સુખાકારી માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ મશીનો જ બંધ હાલતમાં હોવાની ફરિયાદો તંત્રની કામગીરી સામે સવાલો તો ઉભા કરે જ છે સાથે સાથે પ્રજાનાં રૂપિયાનો કેવો અંધેર વહીવટ થઈ રહ્યો છે તેની સાબિતી પણ આપી રહ્યા છે.